દાહોદ જિલ્લો : ગ્રામ પંચાયત ચૂંટણી : મતદાન મથક અને મતગણતરી સ્થળે મોબાઇલ સહિતના સાઘનો લઇ જઇ શકાશે નહી
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૯ ડિસેમ્બરે ગ્રામપંચાયતોની ચુંટણી યોજાશે તેમજ તા. ૨૧ ડિસેમ્બરે મતગણતરી યોજાવાની છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોરે એક જાહેરનામા થકી કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા છે.
જાહેરનામા મુજબ, મતદાન મથક અને મતદાન મથકની નજીકના વિસ્તારમાં તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે કોઇ પણ વ્યક્તિએ મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ ફોન સાથે પ્રવેશ કરવો નહી કે તેનો ઉપયોગ કરવો નહી. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારૂં સલામતી અધિકારીઓએ ઘેરેલ વિસ્તારમાં પણ કોઇ પણ વ્યક્તિ ઉક્ત સાઘનો સાથે પ્રવેશી શકશે નહી. અનિવાર્ય સંજોગોમાં કોઇ મતદાન મથકે પુન: મતદાન યોજાઇ તો પણ ઉક્ત નિયમ લાગુ થશે. આ નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
મતદાન અને મતગણતરીના કાર્યમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય અને મતદાનની ગુપ્તતા જળવાઇ રહે તે માટે આ આદેશ કરાયો છે.