ઉત્તરાયણ અવશ્ય ઉજવીયે, પરંતુ પક્ષીઓનું પણ ધ્યાન રાખીયે : જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર દાહોદ જિલ્લામાં આગામી તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવશે નાગરિકોએ પક્ષીઓને બચાવવા જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમ નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ નો સંપર્ક કરવો

દાહોદ તા.૮

દાહોદ જિલ્લામાં આગામી તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવશે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, ઉત્તરાયણના પર્વ દરમિયાન નાગરિકોએ ચાઈનીઝ દોરી-તુકકલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વહેલી સવારે તેમજ મોડી સાંજના સમયે પતંગ ચઢાવવા ન જોઈએ. તહેવાર અવશ્ય ઉજવીયે, પરંતુ પક્ષીઓનું પણ ધ્યાન રાખીયે.
બેઠકમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઈએ કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવેલા આયોજનની માહિતી આપી હતી. જિલ્લામાં ઉક્ત સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટેના સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. વિવિધ સ્થળોએ જનજાગૃતિ માટે બેનરો તથા પોસ્ટર લગાવ્યા છે. આ અભિયાનમાં ખાનગી સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ખૂબ ઉંચાઈએથી ફસાયેલા પક્ષીને બચાવવા વિશેષ આયોજન કરાયું છે.
દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ સાથે સંકલન કરીને પશુ-પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાની પશુપાલન શાખા દ્વારા ૯ જેટલી ઇમરજન્સી વાન તૈયાર રાખવામાં આવી છે.વનવિભાગની ૧૦ ટીમો આ અભિયાનમાં જોડાશે. જિલ્લામાં શરૂ કરવામાં આવેલી ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ રહેશે. પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે.આ કંટ્રોલ રૂમનો નંબર
૦૨૬૭૩-૨૨૧૨૬૬ છે.
બેઠકમાં વનવિભાગના અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ પક્ષીઓ માટે કાર્યરત ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!