દાહોદ શહેરમાં એકજ રાત્રીમાં બે દુકાનોના તાળા તુટ્યાં : અગાઉ પણ એક મેડીકલ સ્ટોરના તાળા તોડી તસ્કરોએ રોકડ રૂા.૧.૧૨ લાખની ચોરી કરી ફરાર થયાં હતાં.
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાં એકજ રાત્રીમાં બે દુકાનોના તાળા તુટતાં પંથકમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક મેડીકલ સ્ટોર અને એક જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યાેં હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદ શહેરમાં તસ્કરોનો આતંક વધવા માંડ્યો છે. અગાઉ થોડા દિવસો પહેલાજ શહેરના ગોવિંદ નગર વિસ્તાર ખાતે પણ એક મેડીકલ સ્ટોરને તસ્કરો નિશાન બનાવી ૧.૧૨ લાખની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાંની ઘટના બની હતી.
દાહોદ શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો અગાઉ ચોવીસે કલાક ધમધમતા એવા દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તાર ખાતે આવેલ એક મેડીકલ સ્ટોરને તસ્કરોએ રાત્રીના સમયે નિશાન બનાવી મેડીકલ સ્ટોરમાંથી રોકડા રૂપીયા ૧.૧૨ લાખની રોકડ રકમની ચોરી કરી ગયાંની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગોવિંદ નગર વિસ્તારમાં ફરી એક મેડીકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવી છે. ગતરોજ મધ્યરાત્રીના સમયે ચિરાયું હોસ્પિટલની સામે આવેલ નોબ્લે નામક મેડીકલ સ્ટોરમાં તસ્કરોએ દુકાનનું તાળુ તોડી શટર ખોલી નાંખી પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને ગૌશાળા ખાતે આવેલ એક જ્વેલર્સની દુકાનમાં પણ તસ્કરોએ શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ ચોરી કરવાનો પ્રયાસ કર્યાેં હતો. આ બંન્ને દુકાનોના તાળા તુટતાં આજે વહેલી સવારે બંન્ને સ્થળોએ લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસમાં ફરિયાદ નોઁધાવવાની તજવીજ ચાલુ છે ત્યારે કેટલાંની ચોરી કરી તસ્કરો ફરાર થયાં તે તો પોલીસ ફરિયાદમાં જાણવા મળશે પરંતુ દાહોદમાં તસ્કરોને મોકળું મેદાન મળતાં પોલીસને નાઈટ પેટ્રોલીંગ પર પણ અનેક સવાલો ઉભા થવા માંડ્યાં છે કારણ કે, ગોવિંદ નગર અને ગૌશાળા જેવા ચોવીસે કલાક ધમધમતા વિસ્તારોમાં ચોરીની ઘટના બને તો અન્ય વિસ્તારોમાં તો કહેવું જ મુશ્કેલ છે.
બોક્સ ઃ-
દાહોદ શહેરમાં એક મહિલા એક્ટીવા પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી તે સમયે મોટરસાઈકલ પર આવેલ અજાણ્યા ગઠીયાઓ દ્વારા મહિલાનો મોબાઈલ ફોન છુટવી લઈ ફરાર થઈ જતાં આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે.