દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં એક વૃધ્ધ અગમ્યકારણોસર ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ફળિયા સરકારી હોસ્પિટલની સામે ઘરેથી પશુઓ ચરાવવા કહી નીકળેલ એક વૃધ્ધ વ્યક્તિએ અગમ્યકારણોસર રસ્તાની નજીકમાં આવેલ એક ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલ પોલીસે મૃતકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દીધાંનું જાણવા મળે છે.
આજરોજ ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે તળાઈ ફળિયામાં રહેતાં ભુરીયા મલજીભાઈ વહેલી સવારે ઘરેથી પશુઓ ચરાવવા જઉં છું, તેમ કહી ઘરેથી નીકળ્યાં હતાં ત્યારે આશરે સવારના દશેક વાગ્યાના આસપાસ ગામમાં આવેલ નવા ફળિયા સરકારી હોસ્પિટલના રસ્તા તરફના ઝાડ પર તેમની દોરડાથી લટકતી લાશ જાેવા મળતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ઘટનાની જાણ પરિવારજનોને પણ થતાં પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. વૃધ્ધ વ્યક્તિએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી પરંતુ પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.