દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : એકજ દિવસમાં ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં
દાહોદ તા.૧૨
દાહોદમાં આજે ૧૫ – ૨૦ નહીં પરંતુ સીધા ૩૫ કોરોના પોઝીટીવ આવતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી ૨૦ – ૨૫ કોરોના પોઝીટીવ કેસ આવતાં ત્યારે તે આંકડો વધીને આજે સીધો ૩૫ થઈ જતાં અને દિવસેને દિવસે દાહોદ જિલ્લામાં પણ કોરોના કેસો કુદકેને ભુસકે વધતાં વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવા અનિવાર્ય બન્યાં છે કારણ કે, વધતાં કેસો વચ્ચે જાે નિયંત્રણો લગાવવામાં નહીં આવે તો આ કેસોની સંખ્યા વધતી રહેશે અને ક્યાંક કોરોનાની બીજી લહેરની પરિસ્થિતી ના નિર્માણ લે તેનું પણ ધ્યાન તંત્ર દ્વારા રાખવું અત્યંત આવશ્યક બન્યું છે.
દાહોદ જિલ્લામાં આજે ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. આર.ટી.પી.સી.આર. ના ૧૬૩૧ પૈકી ૧૯ અને રેપીટ ટેસ્ટના ૭૫૦ પૈકી ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. આ ૩૫ પૈકી દાહોદ અર્બનમાંથી સૌથી વધુ ૧૮ કેસ સામે આવ્યાં છે. દાહોદ અર્બન વિસ્તાર કોરોના પોઝીટીવ કેસોમાં સૌથી મોખરે રહેતો આવ્યો છે. કારણ એ પણ છે કે, દાહોદ શહેરમાં આસપાસના અન્ય તાલુકાઓ અને ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી કરવા આવતાં હોય છે અને હાલ દાહોદ શહેરના બજારોમાં ભારે ભીડ પણ જાેવા મળી રહી છે. ન તો સોશીયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું છે અને ન તો લોકો માસ્ક સાથે જાેવા મળી રહ્યાં છે. કદાચ કોરોના કેસો વધવા પાછળનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે. દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ કેસો નોંધાંયાં છે. ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૪, ગરબાડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૨ કેસો સામે આવ્યાં છે. આજે વધુ ૧૨ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો કુલ આંકડો ૧૫૯ને પાર થઈ ચુંક્યો છે.