દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન : ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર : કરૂણા અભિયાન અંતર્ગત ખાનગી સંસ્થાઓ સહિત જાગૃત નાગરિકોનો મળી રહ્યો છે વ્યાપક સહયોગ : અબોલ જીવોને બચાવવા નાગરિકો નોંધી લે આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩ – ૨૨૧૨૬૬
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત સઘન રીતે મુંગા પશુપક્ષીઓનો બચાવ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત ૪૯ પક્ષીઓ સહિત ૫૭ પશુપક્ષીઓનો બચાવ કરાયો છે. પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળતાં આ શક્ય બન્યું છે. ઉપરાંત જાગૃત નાગરિકોએ પણ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને પશુપક્ષીઓને બચાવવામાં સારો સહયોગ આપ્યો છે. સેવાભાવી સંસ્થાઓની સક્રિયતા પણ ખૂબ મહત્વની સાબિત થઇ છે.
જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેસ ગોસાઇએ માહિતી આપતા જણાવ્યું કે, કરૂણા અભિયાન અંતર્ગત ફક્ત ઉત્તરાયણના જ દિવસે એટલે કે ગત તા. ૧૪ જાન્યુઆરીએ ૩૩ પક્ષીઓ સહિત કુલ ૩૯ પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર આપી બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૭ પશુપક્ષીઓનો બચાવ કરાયો છે. મોટે ભાગે પક્ષીઓ ધારદાર દોરીઓથી ખૂબ ધાયલ થતા જોવા મળી રહ્યાં છે.
આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓના સારવાર કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જિલ્લા વન અધિકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓએ મુલાકાત લીધી હતી અને પશુપક્ષીઓને મળી રહેલી સારવારનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે ફરીથી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ મોટી સંખ્યામાં બહાર ઉડતા હોય છે અને તેમના ધાયલ થવાની શક્યતા વધુ છે. માટે આ સમયે પતંગ ન ચગાવવા. તેમજ પ્રતિબંધિત ધારદાર દોરીઓનો પણ ઉપયોગ ન કરવો.
જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળે એ માટે દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ સાથે પણ સંકલન કરીને પશુ-પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાની પશુપાલન શાખા દ્વારા ૯ જેટલી ઇમરજન્સી વાન તૈયાર રાખવામાં આવી છે. વનવિભાગની ૧૦ ટીમો આ અભિયાનમાં કામગીરી કરી રહી છે.
જિલ્લામાં શરૂ કરવામાં આવેલી ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ થકી તાત્કાલિક સારવાર મળી શકી હતી. પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ પણ ધમધમતો રહ્યો છે. આ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ ઉપર જાગૃત નાગરિકોએ સમયસર જાણ કરીને ઘણાં પશુપક્ષીઓનો જીવ બચાવ્યો હતો. જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટેના વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. તેનો પણ મોટી સંખ્યામાં લાભ લેવાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ગત તા.૧૦ થી શરૂ કરવામાં આવેલું કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે.