દાહોદ જિલ્લામાં આજે વધુ ૬૯ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં
દાહોદ તા.૨૧
સમગ્ર ગુજરાતમા હવે કોરોના કહેર વર્તાવી રહ્યો છે. તેવા સમયે દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ કોરોના પ્રસરી રહ્યો છે.તેમાય દાહોદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દિનપ્રતિદિન દાહોદમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને લોકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે તંત્ર હજીયે વધુ સક્રિય નથી થયુ અને શહેરીજનો જાગૃત નહીં થાય તો શહેરમાં હવે સ્થિત નિયંત્રણમાં નહી રહે તે નિશ્ચિત છે. આજે દાહોદ જિલ્લામાં ૬૯ કેસો જ્યારે દાહોદ શહેરમાં ૨૬ કેસો આવ્યાં છે.
દાહોદ જિલ્લામાં ગત વર્ષના અંતિમ દિવસોમાં માંડ એકાદ – બે કોરોનાના દર્દી મળતાં હતાં. ત્યાર બાદ કેટલાય દિવસ રિપોર્ટ નેગેટીવ આવતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. અને લોકો બેફીકરાઈથી ફરતાં હતાં. નવા વર્ષના પ્રારંભથી દાહોદમાં કોરોનાનો આલેખ ઝડપભેર વધી રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડીયામાં આવેલા કુલ ૨૯૧ કેસોમાં દાહોદ શહેરના ૨૧૫ કેસો થતાં કોરોનાએ કેર વર્તાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
સમગ્ર દાહોદ શહેરને કોરોનાએ અજગરી ભરડામાં જકડી લીધું છે.રોજબરોજ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા દાહોદવાસીઓમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે.દાહોદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. દાહોદમાં એકતરફ કેસો વધી રહ્યા છે તેમ છતા બજારમાં ભારે ભીડ જાેવા મળી રહી છે.સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નથી થતુ તેમજ માસ્ક વગર ફરતા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે ૬ કિલોમીટરની ત્રિજ્યામા વસેલા અને એક લાખ ઉપરાંતની વસ્તી ધરાવતા દાહોદ શહેરમાં કોરોના ઉપર કાબુ મેળવવા તંત્ર કક્ષાએથી કડક નિર્ણય કે કડકાઈ જાેવા મળતી નથી. તેમજ શહેરીજનો જાગૃત નહી થાય તો દાહોદ શહેર સહિત જિલ્લા માટે હોસ્ટપોટ બની શકે છે.
દાહોદ જિલ્લામાં આજે ૬૯ કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા જેમાં આરટીપીસીઆરના ૨૦૫૫ પૈકી ૨૬ અને રેપીડ ટેસ્ટના ૭૯૩ પૈકી ૪૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૨૬ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાના કુલ ૭૭૭૮ કેસો પોઝીટીવ નોંધાઈ ચુક્યાં છે.

