દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા હાઈવે પર ટ્રક અને પીકઅપ ફોર વ્હીલર ગાડી વચ્ચે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત : અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં
દાહોદ તા.૨૨
લીમખેડા તાલુકાના દાભડા પાસે હાઈવે ઉપર આજે સવારે ટ્રક અને પીકપ બોલેરો જીપ અથડાતા પીકપ બોલેરો માં સવાર બે મહિલાઓનાં માથામાં તથા શરીર પર થયેલી ગંભીર ઇજાથી ઘટનાસ્થળે મોત નીપજયાં હતા જ્યારે અન્ય છ મહિલાઓને શરીરે ઓછી વત્તી ઇજાઓ થતાં સારવાર અર્થે દાહોદ રિફર કરી હોવાનું જાણવા મળ્યું છે.
લીમખેડા તાલુકાના વડેલા ગામની મધુબેન ઉદેસિંહ ચૌહાણ તથા જશોદાબેન ગણપતભાઈ પટેલ ગઈ કાલે દાભડા ગામે રહેતી શકરીબેન અભેસિંગ ચૌહાણ ના ઘરે મહેમાન ગતિ માટે ગઈ હતી અને આજરોજ વહેલી સવારમાં દાભડા ગામ ની રમીલાબેન શંકરભાઈ ચૌહાણ સહિત આ ચારેય મહિલાઓ દાહોદ બજારમાં શાકભાજી વેચવા જવા માટે દાભડા ગામે હાઈવે રસ્તા ઉપર કોઇ વાહનની રાહ જોઇને ઉભી હતી તે દરમિયાન સવારના પાંચેક વાગ્યાના સુમારે લીમખેડા તરફથી એક પીકપ બોલેરો જીપ ગાડી આવતા ઈશારો કરી ઊભી રખાવી ઉક્ત ચારેય મહિલાઓ પીકપ ગાડી માં બેસવા માટે ચડતા હતા તે વેળા પાછળ લીમખેડા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલા એક અજાણી ટ્રકના ચાલકે આ બોલેરો જીપ ગાડી ને પાછળથી જોશભેર ટક્કર મારી હતી જેને લઇને પીકઅપ જીપ ગાડી રસ્તાની નીચે ઉતરી જઇ પલ્ટી ખાઇ ગઇ હતી જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પીક અપ બોલેરો ગાડીમાં સવાર દાભડા ગામની રમીલાબેન શંકરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ (૩૨) તથા વડેલા ગામ ની જશોદાબેન ગણપતભાઈ પટેલ ઉમર વર્ષ (૩૮ )ને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળેજ મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી જ્યારે જીપમાં સવાર અન્ય મહિલાઓ નામે શકરીબેન અભેસિંગ ચૌહાણ રહે દાભડા, મધુબેન ઉદેસિંહ ચૌહાણ રહે વડેલા, કાંતાબેન રમેશભાઈ પટેલ રહે વડેલા, ફુલીબેન સનાભાઇ કોળી રહે મોટી બાંડીબાર, રમીલાબેન બાબુભાઈ દાહમાં રહે મોટી બાંડીબાર, કાળીબેન સબુરભાઇ પટેલ રહે નાની બાંડીબાર સહિતની છ મહિલાઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદ રિફર કર્યા હતા અકસ્માત કરી ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો
આ બનાવ સંદર્ભે દાભડા ગામના ગમીરભાઇ ચંદ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.





