દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે રોડ પર ઈકો કારની બાઈકને ટક્કર વાગતા બાઈક ચાલકનું મોત
દાહોદ, તા.રર
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે વહેલી સવારે પુરપાટ દોડી આવતી ઈકો ગાડીએ મોટર સાયકલને ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ૩૯ વર્ષીય મોટર સાયકલ ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ફોર વ્હીલ ગાડીનો ચાલક તેના કબ્જાની જીજે ર૦ એ એચ ૯૦ર૧ નંબરની સફેદ કલરની ઈકો ગાડી ગતરોજ વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી મોટી ખરજ ગામે સામેથી આવતી મોટી ખરજ ગામના થાનગડી ફળીયામાં રહેતા ૩૯ વર્ષીય ભરતભાઈ હીંગાભાઈ મિનામાની જીજે ર૩ ક્યુ ૮૬૦૯ નંબરની મોટર સાયકલને સામેથી ટક્કર મારતા ભરતભાઈ મિનામા મોટર સાયકલ સાથે રોડની બાજુમાં ફેકાઈ જતા બંને હાથે, પગે, શરીરે તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
આ સંબંધે મરણજનાર ભરતભાઈ મિનામાની વિધવા પત્ની બદલીબેન ભરતભાઈ મિનામાએ નોંધાવેલ ફરીયાદને આધારે તાલુકા પોલીસે ઈકો ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.