કોરોનાની ત્રીજી લહેરની કપરી પરિસ્થિતિનો પણ જિલ્લો મજબૂતીથી સામનો કરી શકવા સક્ષમ – પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ : મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે દાહોદમાં થઇ રહેલા વિકાસકાર્યો તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી સચિવશ્રી બેનીવાલે જિલ્લામાં મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે થઇ રહેલી કામગીરી, વિકાસશીલ તાલુકા અંતર્ગતની કામગીરી, જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કોરોનાની ત્રીજી લહેરની કપરી પરિસ્થિતિનો પણ જિલ્લો મજબૂતીથી સામનો કરી શકવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું.
પ્રભારી સચિવ શ્રી બેનીવાલે મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં સગર્ભા માતા અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય માટે ખાસ આયોજન કરવું જોઇએ. આ માટે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવો જોઇએ. જિલ્લામાં એક પણ કુપોષિત બાળક ન રહે એ માટે મક્કમ પગલા લેવા જોઇએ. શિક્ષણ અને કૃષિ ક્ષેત્ર પણ જિલ્લાના વિકાસમાં મહત્વના હોય તેના ઉપર પણ ખાસ ભાર મૂકવો જોઇએ. ખેડૂતોને પરંપરાગત પાક અને પદ્ધતિના સ્થાને આદ્યુનિક ઢબ અપનાવે તે માટે લક્ષ્યાંક સાથે આગળ વધવું જોઇએ.
પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. જિલ્લામાં કોરોનાના ખૂબ ઓછા દર્દીઓને હોસ્પીટલાઈઝ કરવા પડે છે અને ઓક્સિજનની જરૂર પડે તેવા દર્દીઓની સંખ્યા પણ ખૂબ ઓછી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યાં છે તે પણ એક સારી બાબત હોવાનું પ્રભારી સચિવશ્રીએ નોંધ્યું હતું. તેમણે જિલ્લામાં ટેસ્ટ્રીગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની કામગીરી અસરકારક હોવાનું જણાવ્યું હતું અને કોરોનાની ત્રીજી લહેરની કપરી પરિસ્થિતિનો પણ મજબૂતીથી સામનો કરી શકવા જિલ્લો સક્ષમ હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ સ્માર્ટ સીટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટોમાં થઇ રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, લીમખેડા પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગેલાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મયુર પારેખ, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેસ ગોસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથાર, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય શ્રી કે. બી. કણઝરીયા,જિલ્લા બાગાયત અધિકારી શ્રી પારેખ, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: