દાહોદમાં રસ્તે રખડતા ઢોરોના અસહ્ય ત્રાસથી શહેરીજનોમાં ભારે રોષ
દાહોદ તા.૩૧
દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દિનપ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસથી દાહોદવાસીઓ ત્રાહીમામ્ પોકારી ગયા છે. શહેરના રાજમાર્ગો પર રોજબરોજ આખાલઓ વચ્ચે યુધ્ધ ખેલાતા નાસભાગના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે જે રાહદારીઓથી માંડી વાહનચાલકો માટે જાેખમ ઉભુ કરી રહ્યા છે. રખડતા ઢોરોના ત્રાસના મામલે પાલીકા તંત્રએ હાથ ઉંચા કરી દીધા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
દાહોદ શહેર સ્માર્ટસીટી તરફ આગેકુચ કરી રહ્યું છે, જે અંતર્ગત દાહોદમાં ઠેર ઠેર સ્માર્ટ સીટીના કામો પણ ચાલી રહ્યા છે.ત્યારે દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો ત્રાસ મોટા ભાગના રાજમાર્ગો પર જાેવા મળી રહ્યા છે. દાહોદ નગરપાલીકા દ્વારા રખડતા ઢોરોના મામલે અવાર નવાર લોલીપોપ આપી આ સમસ્યા ઉપર ઢાકપીછોડો કરવાની ચેષ્ટા કરવામાં આવી રહી છે. ઢોરો પકડવા મામલે પાલીકા તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનો આજદિન સુધી કાગળ પર જ રહી જવા પામ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને ટકોર કરવામાં આવી છે કે રોડ ઉપર રખડતા ઢોરો માટેનો કાયદો બનાવી તેને પકડી પાંજરે પુરવા માટે અને માલીક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતુ. તેમજ છતા પાલીકા દ્વારા રખડતા ઢોરોના મામલે કોઈ કાર્યવાહી હાથ ધરવામા આવી નથી. જેને પરિણામ સ્વરૂપ શહેરમા રખડતા ઢોરો અડીંગો જમાવી રોડ વચ્ચે બેસી ટ્રાફીક સમસ્યા વધારતા જાેવા મળી રહ્યા છે. શહેરમાં અનેકવાર રાહદારીઓને અડફેટમાં લેવાની ઘટનાઓ પણ બની છે. દાહોદમાં આ સમસ્યાના મામલે પાલીકા તંત્ર અને પોલીસ તંત્ર જવાબદારીના મુદ્દે એકબીજાને ખો આપતા જાેવા મળી રહ્યા છે. જેના પાપે આ સમસ્યા વર્ષો પછી પણ યથાવત રહેવા પામી છે. ત્યારે લોકોની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં લઈને જવાબદાર પાલીકા તંત્ર દ્વારા સત્વરે એક્શન પ્લાન બનાવી દાહોદ શહેરને રખડતા ઢોરો મુક્ત બનાવી દાહોદવાસીઓને રખડતા ઢોરોના ત્રાસમાંથી છુટકારો અપાવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

