ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે બકરી ચોરી કરી ભાગવા જતા અકસ્માતે કૂવામાં પડતા 45 વર્ષીય યુવાનનું મોત : મૃતક યુવાન તાલુકાના કુંડલા ગામના ઉમરીમાળ ફળિયાનો હોવાની ઓળખ છતી થઇ
પેટા÷મૃતક યુવાન ધાડ – લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલો અને સજા પામેલો હાલ પેરોલ ઉપર ઘરે આવેલ હતો.
બકરીની ચોરી કરી ભાગવા જતા અકસ્માતે કૂવામાં પડતાં યુવાનનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ.
બકરી સહીત તસ્કર યુવાન અકસ્માતે કૂવામાં પડતાં બંનેના મોત નિપજ્યા.
સુખસર તા.31
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે શનિવારના રોજ રાત્રીના સમયે બકરી ચોરી કરી ભાગવા જતા કુંડલા ગામના ઉમરી માળ ફળિયામાં રહેતા એક 45 વર્ષીય યુવાન બકરી સાથે કૂવામાં પડતા બંનેના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે રહેતા હરજીભાઈ શામજીભાઈ મછાર ખેતીવાડી તથા પશુપાલનનો ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ પરિવાર સાથે શનિવાર રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને ઊંઘી ગયા હતા.જ્યારે તેમના પશુઓ બાંધવા માટે બનાવેલ ધાબાની બાજુમાં ઢાળિયામાં પશુઓ બાંધેલા હતા.તેવા રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બકરાઓ અવાજ કરવા લાગતાં ઘરના સભ્યો જાગી ગયા હતા. ત્યારબાદ જ્યાં પશુ વાઘેલા હતા ત્યાં જઇ જોતા એક બકરી જોવા મળેલ નહીં.જેથી આસપાસમાં તપાસ કરતા બકરી મળી આવેલ નહીં.જેથી આસપાસનાં લોકોને જાણ કરી જગાડ્યા હતા.ત્યારે નજીકમાં આવેલ પોતાના કૂવામાં બકરીનો અવાજ આવતા કૂવામાં બેટરીના અજવાળાથી જોતા બકરી તથા એક વ્યક્તિ કુવાના અંદર પડેલા જોવા મળેલ.જેથી આ બાબતની ગામના આગેવાનોને મોબાઈલ દ્વારા જાણ કરી કુવા ઉપર બોલાવ્યા હતા. ત્યારબાદ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં સુખસર પોલીસ રાત્રિના સમયે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ત્યારબાદ સવારના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ કૂવામાં પડેલા મરણ ગયેલ બકરી સહિત મૃતક યુવાનને બહાર કાઢવામાં આવ્યા હતા.અને લાશ બહાર કાઢતાં મરણ જનાર યુવાન ફતેપુરા તાલુકાના કુંડલા ગામના ઉમરી માળ ફળિયાનો રહીશ સેવા ભાઈ સુરતાનભાઈ ડામોર ઉંમર વર્ષ 45 હોવાનું બહાર આવવા પામ્યું હતું.
મરણ જનાર સેવાભાઇ ડામોર હરજીભાઈ મછારના ઢાળિયા માંથી બકરી ચોરી કરી ભાગવા જતા કાંઠા વગરના કૂવામાં અકસ્માતે પડ્યો હોય મરણ ગયેલ હોવાનું હાલમાં પ્રાથમિક તારણ બહાર આવવા પામેલ છે. તેમજ મરણ જનાર સેવાભાઇ ડામોર અનેક ધાડ-લૂંટના ગુનામાં સંડોવાયેલો હતો.તેમજ તે પાકા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો. અને હાલ તે પેરોલ ઉપર ઘરે આવેલ હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અહીંયા જણાવવું જરૂરી છે કે, મરણ જનાર વ્યક્તિ તેના જ ગામના રાજુભાઈ જવાભાઈ ડામોર તથા નિલેશભાઈ ભીમાભાઈ ડામોરની સાથે ગયેલ હોવાની હકીકત મૃતક યુવાનના પરિવારજનો જણાવી રહ્યા છે.તેમજ હાલ આ બંને વ્યક્તિઓ ઘરેથી ફરાર થઇ ગયા હોવાની પણ હકીકત જાણવા મળી છે.
ઉપરોકત બનાવ સંદર્ભે કુવા માલિક હરજીભાઈ મછારનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરી મૃતક સેવાભાઈ ડામોરની લાશનું સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે બકરીનુ સુખસર પશુ સારવાર કેન્દ્ર ખાતે પી.એમ કરવામાં આવ્યું હતું.ઉપરોકત બનાવ સંદર્ભે આગળની તપાસ સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એન.પી. સેલોત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.