દાહોદના ઉકરડી ગામે બે પક્ષો વચ્ચે મારક હથિયારો વડે મારામારી : ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી બે પક્ષો વચ્ચે મારામારીમાં ૬ વ્યક્તિઓને ઈજા પહોંચી
દાહોદ તા.૦૧
દાહોદ તાલુકાના ઉકરડી ગામે ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી બે પક્ષો વચ્ચે મારક હથિયારો વડે સામસામે મારામારી થતાં ૦૬ જેટલા વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચ્યાંનું જ્યારે બંન્ને પક્ષો દ્વારા મચાવેલ ભારે ધિંગાણાને પગલે વિસ્તારમાં ફફડાટ સાથે ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ઉકરડી ગામે ભુરીયા ફળિયામાં રહેતાં દસુભાઈ બબલાભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા. ૩૧મી જાન્યુઆરીના રોજ ગામમાં રહેતાં સંજયભાઈ ગજુભાઈ માવી, વનરાજભાઈ રાજુભાઈ માવી, અર્જુનભાઈ વરસીંગભાઈ માવી, કશનાભાઈ તાજસીંગભાઈ માવી, દિપકભાઈ બાબુભાઈ માવી અને હીમરાજભાઈ નરેશભાઈ માવીનાઓએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી, એકસંપ થઈ, ગેરકાયદે મંડળી બનાવી કીકીયારીઓ કરતાં દસુભાઈના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો આ રસ્તેથી કેમ નીકળો છો, તમો ચુંટણીમાં હારી ગયાં છો, અમારૂ બધુ ચાલશે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને નિરૂભાઈ દિતાભાઈ ભુરીયા, મંગાભાઈ દિતાભાઈ ભુરીયા, વિશાલભાઈ વાલુભાઈ ભુરીયા વિગેરે હથિયારો, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે દસુભાઈ બબલાભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષેથી ઉકરડી ગામે ગાતલા ફળિયામાં રહેતાં વિક્રમભાઈ રમેશભાઈ માવીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૩૧મી જાન્યુઆરીના રોજ ગામમાં રહેતાં બબલાભાઈ મગનભાઈ ભુરીયા, લક્ષ્મણભાઈ બબલાભાઈ ભુરીયા, દસુભાઈ બબલાભાઈ ભુરીયા, રાજેશભાઈ લક્ષ્મણભાઈ ભુરીયા, નિરૂભાઈ દિતાભાઈ ભુરીયા, સુભાષભાઈ વાલુભાઈ ભુરીયા, મંગાભાઈ દિતાભાઈ ભુરીયા અને વિશાલભાઈ વાલુભાઈ ભઉરીયાઓએ એકસંપ થઈ, ગેરકાયદે મંડળી બનાવી, પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી વિક્રમણભાઈના ઘરે કીકીયારીઓ કરતાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમારા ફળિયાના માણસોએ અમોને ચુંટણીમાં હરાવેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ હથિયારો વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી, રમેશભાઈ નારૂભાઈ, અર્જુનભાઈ વરસીંગભાઈ માવી અને વનરાજભાઈ રાજુભાઈ માવીને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે વિક્રમભાઈ રમેશભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

