કોરોના રસીકરણ મહાઅભિયાનમાં દાહોદની મહત્વની સિદ્ધિ : જિલ્લાના તમામ કિશોરોને મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ : વહીવટી તંત્રના સઘન અભિયાન થકી ફક્ત ૩૦ જ દિવસમાં ૧.૩૯ લાખથી વધુ કિશોરોને મળી વેક્સિન

દાહોદ તા.૦૩

કોરોના રસીકરણની દિશામાં દાહોદ જિલ્લાએ મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ફક્ત ૩૦ દિવસના ટૂંકા ગાળામાં દાહોદના તમામ ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ફક્ત બે જ જિલ્લાઓએ આ ઉપલબ્ધિ મેળવી છે તેમાં દાહોદ પણ એક છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,૩૯,૮૮૮ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરેરાશ જોઇએ તો રોજના ૪૬૫૦ થી પણ વધુ કિશોરોને વેક્સિન આપવામાં આવી હતી.
જિલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ, સ્થળાંતર જેવા પ્રશ્નો હોવા છતાં ટૂંકા ગાળામાં જિલ્લાએ આ મહત્વનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. જિલ્લામાં ૧,૩૯,૪૮૫ કિશોરોને વેક્સિન આપવાના લક્ષ સાથે ગત તા. ૩ માર્ચથી કોરોના સામે મહારસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદની એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ વયજુથના કિશોરોમાં વેક્સિન લેવા માટે ઘણું હકારાત્મક વલણ જોવા મળ્યું છે અને તંત્રના સઘન અભિયાનને સફળતા મળી છે.
આ માટે ૬૩૭ આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે જઇને વેક્સિન માટેની કામગીરી કરી હતી. ઉપરાંત ૧૪૩ જેટલા કોરોના રસીકરણ સેન્ટર ખાતે વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર શાળાએ જતા બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. તેમજ શાળાએ ન જતા કે ડ્રોપઆઉટ બાળકોને પણ વેક્સિન આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીને પણ મોટી સંખ્યામાં કોરોનાની રસી અપાઇ હતી. કોરોનાની વેક્સિન લેવા માટે તરૂણોએ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો અને વહીવટી તંત્રની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!