દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં બાસવાડા રોડ ખાતે એક પીક અપ ગાડીના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતાં એકનું મોત એક ઇજાગ્રસ્તના
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં બાંસવાડા રોડ ખાતે એક પીકઅપ ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં ઝાલોદ બાંસવાડા રોડ પરથી એક પીકઅપ ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામે રહેતાં સરદારભાઈ ચુનીયાભાઈ ડામોર અને તેમની પાછળ બેઠેલ શંકરભાઈ લીમડીભાઈ ડામોરની મોટરસાઈકલને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે સરદારભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાઈકલની પાછળ બેઠેલ શંકરભાઈને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. માર્ગ અકસ્માત સર્જી પીકઅપ ગાડીનો ચાલક સ્થળ પરથી પોતાના કબજાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી ભગાવી ભાગવાનો પ્રયાસ કર્યાેં હતો અને રસ્તામાં અનવરપુરા ગામે ઈંટોના ભઠ્ઠા નજીક ચાલુ ગાડી સળગી જતાં નુકસાન પહોંચ્યું હતું.
આ સંબંધે ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામે રહેતાં આશીષભાઈ સરદારભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતો પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.