દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે સ્થાનિક રહીશ દ્વારા પોતાના ઘરના આગળ ગેરકાયદેસર દબાણ કરતા પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું
દાહોદ તા.5
દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તાર ખાતે એક સ્થાનિક રહીશ દ્વારા પોતાના ઘરની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર ઓટલાનું બાંધકામ કરી અને ફેન્સીંગ વોલ બનાવી દેતા આ અંગેની રજૂઆત દાહોદ નગરપાલિકાને કરવામાં આવતા દાહોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધેલ ઓટલા અને ફેન્સીંગ વોલ તોડી પાડવામાં આવ્યું હતું.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ પાવનધામ સોસાયટી ખાતે એક સ્થાનિક દ્વારા પોતાના મકાનની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર રીતે ઓટલો બનાવી તેની ઉપર ફેન્સીંગ વોલ બનાવી કાચના ટુકડા લગાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો જાણવા મળ્યા અનુસાર, આ મકાનની આગળ કેટલીક દુકાનો પણ આવેલી હતી અને આ મામલે કેટલાક સ્થાનિકો દ્વારા નગરપાલિકાને ફરિયાદ કરી હતી જે ફરિયાદને આધારે ગતરોજ બપોરના સમયે પાલિકાતંત્ર જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગટરની ઉપર ગેરકાયદેસર બાંધેલ ઓટલો અને ફેન્સીંગ વોલ તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યા અનુસાર, સાંજના સમયે અને રાતના સમયે સ્થાનિકો આ રસ્તે ચાલતા અવર જવર પસાર થતા હતા અને આ ઓટલા પર બેસી પોતાનો થાક ઉતારતા હતા પરંતુ સ્થાનિક દ્વારા બેસવા આવતી મહિલાઓ તેમજ લોકોને બેફામ ગાળો બોલી અસભ્ય વર્તન કરતો હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કાચવાળી ફેન્સીંગ વોલ ઊભી કરી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાવા પામ્યો હતો.