સરકારી યોજનાનો લાભ લઇને ધંધાને નવી પાંખો આપતા સુમીત્રાબેન બામણ : સુમીત્રાબેને લોન સહાયથી રેડીમેન્ટ ગારમેન્ટના બિઝનેસને ધમધમતો કર્યો
લોન સહાય મેળવી સુમીત્રાબેન અધધ કમાણી સાથે આપી રહ્યાં છે અન્ય લોકોને રોજગા ર
નાના ગામડાઓમાં રહેતી મહિલાઓ પણ સારી ધંધાકીય સુઝ ધરાવતી હોય છે. પણ તેમના બિઝનેસ આઇડીયાને પાંખો મળે તે માટે નાણાકીય ઇજન પણ એટલું જ જરૂરી છે. સરકારની વાજપેયી બેન્કેબલ યોજના આવી મહિલાઓ માટે આર્શીવાદ સમાન છે. દાહોદનાં એક નાનકડા ગામની મહિલાએ આ યોજના અંતર્ગત લોન સહાય મેળવીને પોતાના ધંધાને પાંખો તો આપી જ છે સાથે અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.
દાહોદના કઠલા ગામના સુમીત્રાબેન બામણ રેડીમેન્ટ ગારમેન્ટનો નાનાપાયે વેપાર કરતા હતા. જેમાંથી કામચલાવ આવક પણ મળી રહેતી. રેડીમેન્ટ ગારમેન્ટ બિઝનેસની તમામ આંટીધૂટી તેઓ સમજી ચૂકયા હતા. આ ધંધામાં કઇ રીતે આગળ વધાય અને સારી એવી આવક મળતી થાય તેનો રસ્તો તેઓ જાણતા હતા.
સુમીત્રાબેનને આ બિઝનેસ વિકસાવવા માટે નવા મશીનો ખરીદવા તેમજ કાચા માલની ખરીદી કરવાની હતી. પણ આ માટે જરૂરી મૂડી તેમની પાસે હતી નહી. તેમણે આ માટે મહિલાઓને સ્વનિર્ભર બનાવતી સરકારની વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રૂ. ૨.૮૦ લાખની સહાય મેળવી.
આ લોન સહાયમાંથી તેમણે રૂ. ૩૦ હજારના નવા મશીનો લીધા. તેમજ બાકીની રકમથી કાચા માલની ખરીદી કરી, નાના પાયે કામગીરી શરૂ કરી દીધી. ધીમે ધીમે આ બિઝનેસ વિકસતા તેમણે એક કારીગર અને ત્યાર બાદ બીજા કારીગરને કામ પર રાખ્યા. અત્યારે મહિને તેઓ રૂ. ૫૦ હજારથી પણ વધુની આવક કરે છે. તેમણે કામ પર રાખેલા કારીગરોને જ મહિને રૂ. બાર હજાર જેટલો પગાર આપે છે.
વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ લઇને હજારો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે. સાથે અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહી છે. દાહોદના કઠલા ગામના સુમીત્રાબેન બામણ જણાવે છે કે, ‘વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોન સહાય મળતાં હું રેડીમેન્ટ ગારમેન્ટના બિઝનેસને વિસ્તારી શકી છું. છેલ્લા બે વર્ષમાં માસિક આવક વધીને રૂ. ૫૦ હજાર પહોંચી છે. બે કારીગરો રાખ્યા છે. તેમને પણ પગાર આપી રહી છું.’
૦૦૦

