દાહોદ જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં આગામી તા. ૧૨ માર્ચ, શનિવારે નેશનલ લોક અદાલત યોજાશે
દાહોદ તા. ૧૦
આગામી તા. ૧૨ માર્ચ, શનીવારે દાહોદ જિલ્લા ન્યાયાલય અને તાલુકા કક્ષાની અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેરમેન એન્ડ પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને અને તાલુકા કક્ષાએ દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા ક્રિમિનલ કંમ્પાઉન્ડ કેસો, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળનાં કેસો, બેન્ક રિકવરી વળતરનાં કેસો, વાહન અકસ્માતનાં રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્ત સહિત, કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળનાં કેસો, વીજળી તથા લાઇટ બીલને લગતા કેસો(ચોરી સિવાયનાં), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબધિત, બેન્ક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોને સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.
લોકઅદાલતના માધ્યમથી સમાધાન કરાવા ઇચ્છતા તમામ પક્ષકારોને સંબધિત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરી સામા પક્ષકારને હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાશે.
પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં પક્ષકાર પોતાના વકીલને સબંધિત કોર્ટમાં નેશનલ લોક અદાલતના દિવસે મૂકવા સંપર્ક કરી શકે છે.
લોકઅદાલતમાં કેસોની ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરનાં નાણાં ઝડપથી મળે છે. આ લોકઅદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોકઅદાલતમાં તમામ પ્રકારનાં સમાધાનપાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વકીલશ્રીઓને તથા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.