દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસુબા ગામે એક પરણિતાએ પતિ તથા સાસુના ત્રાસથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી : દહેજની માંગણી કરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસુબા ગામની એક પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપી, મારઝડુ કરી ઘરમાંથી કાઢી મુકતાં પરણિતાએ ન્યાયની ગુહાર માટે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના નિંદકા ગામે રહેતી દર્શનાબેન વિપુલકુમાર ડામોરના લગ્ન તારીખ ૩૦.૦૪.૨૦૧૩ના રોજ લીમખેડા તાલુકાના આંતરસુબા ગામે નિશાળ ફળિયામાં રહેતાં વિપુલકુમાર વિરસીંગભાઈ ડામોર સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના સાતેક વર્ષ સુધી પરણિતા દર્શનાબેનને પતિ દ્વારા સારૂં રાખ્યા બાદ પોત પ્રકાશ્યું હતું અને દહેજની માંગણી કરી અવાર નવાર પતિ વિપુલકુમાર અને સાસુ ચંપાબેન વિરસીંગભાઈ ડામોર દ્વારા પરણિતા દર્શનાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી, મારઝુડ કરી, અવાર નવાર મેણા ટોણા મારી દહેજ માટે ત્રાસ આપતાં હતાં અને કહેતાં હતાં કે, તું અમારા ઘરમાંથી નીકળી જા, તેમ કહી દર્શનાબેનને ઘરમાંથી કાઢી મુકતાં દર્શનાબેન પોતાના પીયરમાં આવી પહોંચી હતી અને આ સંબંધે પોતાના પતિ તથા સાસુ વિરૂધ્ધ દર્શનાબેન વિપુલકુમાર ડામોરે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.