દાહોદ જિલ્લામાં લોકજાગૃ્ત્તિ અર્થે બનેલી શોર્ટફિલ્મોના કલાકારોનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર

દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં મહિલાઓ અત્યાચાર સામે જાગૃત બને, સ્ત્રીઓના અધિકારો, અંધશ્રદ્ધા નાબુદી માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં અભિયાન ચાલી રહ્યું છે. લોકજાગૃત્તિ-લોકશિક્ષણના આ અભિયાનમાં વિવિધ શોર્ટફિલ્મો દ્વારા પણ લોકોમાં સમજ વિકસે તે માટે અત્યાર સુધીમાં ૪ શોર્ટફિલ્મો બની ચુકી છે. આ ચાર શોર્ટફિલ્મોમાં ધારદાર અભિનય, ડિરેક્શન સહિતની બાબતોમાં પ્રદાન બદલ સમગ્ર ટીમના સભ્યોનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જોયસરે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શોર્ટફિલ્મના ડિરેક્શનથી લઇને સ્ક્રિપ્ટ રાઇટીંગ, અભિનય સહિતની બાબતોમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી અબ્દુલ વસીમ કુરેશી, કલાકાર શ્રી દિનુભાઇ બામણીયા, ચેતનભાઇ સોલંકી, મંજુલાબેન નિનામા, રાકેશ ભાટિયા, ડૉ.ઇન્દ્રવદન પરમાર તેમજ બાળ કલાકારો મોહમ્મદ ફારીસ, મોહમ્મદ સાદીમ, જિંગલ સોલંકી, હીર સોલંકી, પ્રિયાંશી બામણીયા તેમજ મનિષ જૈન, જસપાલકૌર, સંધ્યાબેન ડિંડોર, લક્ષ્મીબેન, કામીનીબેન સહિતના કલાકારો તેમજ પડદા પાછળ સંકલનની ભૂમિકા નિભાવનાર શ્રી જુઝર ઝાબુઆવાલા, યુસુફભાઇ કાપડીયા, ઝુબીન ભાઈ કોન્ટેક્ટરનું પોલીસ અધિક્ષકશ્રીએ પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.
લોકજાગૃત્તિ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર અસરકારક શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી છે. આ ચાર શોર્ટફિલ્મોમાં હજુ ય અંધવિશ્વાસ કેમ ?, ન સંભાળયલી ચીસ, હું ડાકણ નથી, એક તક તો આપો મને જેવા શિર્ષકો સાથે ધારદાર અભિનય અને અસરકારક રજૂઆત સાથેની આ ફિલ્મો ઉત્તમ બની છે. રસપ્રદ વાત તો એ છે કે આ તમામ ફિલ્મો અહીંના સ્થાનિક કલાકારો જ છે તેમજ દાહોદના જ લોકેશન પર ફિલ્માવામાં આવી છે. આ વેળાએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

