દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સીટીના અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત : દાહોદના વાસફોડીયા વાડનો રસ્તો શરૂં કરવા અનેક આક્ષેપો સાથે સ્થાનીકોની માંગ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટીના નામે દાહોદ નગરપાલિકા તેમજ વહીવટી અધિકારીઓ દ્વારા શહેરમાં આવેલ વાસફોડીયા સોસાયટીનો વર્ષોથી ચાલતો રોડ સાથેનો સોસાયટી રોડ બંધ કરેલ હોવાના આક્ષેપો સાથે વાસફોડીયા સોસાયટીના રહીશો દ્વારા આ રસ્તો તાત્કાલીક ચાલુ કરાવવામાં આવે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સીટીના વહીવટી અધિકારીઓને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ શહેરના વાસફોડીયાવાડ સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાનુંસાર દાહોદ શહેરમાં આવેલ વ્હોરા મુસાફર ખાના સામે આવેલ વાસફોડીયા સોસાયટી જ્યાં વર્ષોથી સ્થાનિક રહીશો રહેતા આવ્યાં છે. સદર રસ્તાનો સ્થાનિક લોકો અવર જવર માટે ઉપયોગ કરતાં આવ્યાં છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મનસ્વી ર્નિણય લઈ પોતાના હેતુ પાર પારવા માટે આ રસ્તો બંધ કરવાનો ખોટો ર્નિણય લીધેલ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. પાલિકા અને સ્માર્ટી સીટીના નામે આ રસ્તો ઈરાદા પુર્વક બંધ કરેલ છે સ્માર્ટ સીટીના ઈન્જીનીયર હુસેન ભાટીયા દ્વારા સ્થાનિકોને ધાકધમકી આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. માટે સમગ્ર મામલે આ વિસ્તારનો રોડ શરૂં કરવા દાહોદ જિલ્લા કલેક્ટર અને સ્માર્ટ સીટીના વહીવટી અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

