દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે ભર બજારમાં એક વ્યક્તિને ખેંચ આવતાં મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ શહેરમાં એક વ્યક્તિને અચાનક રસ્તામાં ખેંચ આવતાં તેને સારવાર દરમ્યાન દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
ગત તા. ૧૭મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકાના ગડોઈ ગામે માજી સરપંચ ફળિયામાં રહેતાં દિપસીંગભાઈ નાથાભાઈ ગોહીલ દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં. સવારના અગીયારેક વાગ્યાના આસપાસ એમ.જી. રોડ ખાતે એકાએક દિપસીંગભાઈને ખેંચ આવતાંની સાથેજ તેઓને સ્થાનીકો દ્વારા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં તબીબો દ્વારા દિપસીંગભાઈને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે ગડોઈ ગામે માજી સરપંચ ફળિયામાં રહેતાં રમણભાઈ દિતાભાઈ ગોહીલે દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.