દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ગડોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ૨૧ વર્ષીય મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાના તાલુકામાં નાનખેડા ગામે રહેતાં રોહન મોહન ચૌહાણને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં રોહનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાના તાલુકાના નાનખેડા ગામે રહેતાં લાલચંદ જહાંગીર ચૌહાણે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ એક બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ વિક્રમભાઈ ચુનીયાભાઈ ડામોર (રહે. જવેસી, હોળી ફળિયું, તા. ફતેપુરા, જિ. દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં વિક્રમભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજતાં આ સંબંધે જવેસી ગામે હોળી ફળિયામાં રહેતાં ભુરસીંગભાઈ કાળુભાઈ ડામોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.