દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે હત્યા કરાયેલ મળી આવેલ મૃતદેહના ગુન્હાનો ભેદ ઉકેલતી દાહોદ તાલુકા પોલીસ : લુંટના ઈરાદે બે લુંટારૂઓએ પથ્થરો મારી મોટરસાઈકલના ચાલકને મોતને ઘાટ ઉતાર્યાે હતો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી થોડા દિવસો પહેલા એક વ્યક્તિની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી જેને પગલે દાહોદ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ટેકનીકલ સોર્સના માધ્યમથી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે જેમાં બે લુંટારૂઓએ મૃતક વ્યક્તિને રસ્તામાં રોકી લુંટ ચલાવવાના ઈરાદે વ્યક્તિ પર હુમલો કરતાં વ્યક્તિએ પણ પ્રતિકાર કર્યાેં હતો જેને પગલે બંન્ને લુંટારૂઓએ વ્યક્તિને પથ્થરોથી માર મારી મોતને ઘાટ ઉતાર્યાં બાદ તેની પાસેથી મોબાઈલ ફોન, પર્સ, ચાંદીની રકમ વિગેરે લુંટ લઈ નાસી ગયાં હતાં. સમગ્ર મામલે પોલીસે બે લુંટારૂઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધાં છે.
ગત તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે કલારા ફળિયામાં રહેતાં રાજુભાઈ દીપુભાઈ કલારાની મોટરસાઈકલ સાથે કાળીતળાઈ ગામેથી લાશ મળી આવી હતી. આ મામલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હતાં અને ટેકલીનક સોર્સના માધ્યમથી અને હ્યુમન સોર્સ તેમજ સ્થાનીક બાતમીદારોના મારફતે પોલીસે અમિતભાઈ રસુલભાઈ ભુરીય અને વિજયભાઈ રતનભાઈ ભુરીયા (બંન્ને રહે. કાળીતળાઈ, પટેલ ફળિયા, તા.જિ. દાહોદ) નાની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની સઘન પુછપરછ કરતાં અટકાયત કરાયેલ ઈસમોએ જણાવ્યું હતું કે, તારીખ ૧૫મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે બંન્ને જણાએ કાળીતળાઈ ગામમાં હતાં અને આ દરમ્યાન લુંટના ઈરાદે ત્યાંથી પસાર થઈ રહેલ મૃતક રાજુભાઈને મોટરસાઈકલ સાથે રોક્યાં હતાં. આ દરમ્યાન લુંટારૂઓએ પૈસાની માંગણી કરી હતી અને બે લુંટારૂઓ અને રાજુભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો તકરાર થતાં ઝપાઝપી થઈ હતી. આ દરમ્યાન બંન્ને લુંટારૂઓએ રાજુભાઈને પથ્થરો વડે માથાના ભાગે ગંભીર માર મારી સ્થળ પર મોતને ઘાટ ઉતારી રાજુભાઈનો મોબાઈલ ફોન, ચાંદીના કડા, પર્સ વિગેરે લુંટ બંન્ને લુંટારૂઓ નાસી ગયાં હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
સમગ્ર મામલે દાહોદ તાલુકા પોલીસે બંન્ને લુંટારૂઓને જેલ ભેગા કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.