મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૨૪ ફેબ્રુઆરીએ દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે : જિલ્લાના ૬૮૫૦૦ થી પણ વધુ ગરીબોને રૂ. ૩૮૦.૬૮ કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો ગરીબ કલ્યાણ મેળા થકી પહોંચાડાશે
દાહોદ તા.૨૧
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૨૪ ફેબ્રુઆરીએ દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ લાભાર્થીઓ સાથે સંવાદ સાધશે તેમજ લાભાર્થીઓને સાધન સહાય વિતરણનો પણ પ્રારંભ કરાવશે.
દાહોદનાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાને સવારે ૯ વાગ્યેથી યોજાનારા કાર્યક્રમમાં મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં મહાનુભાવોના હસ્તે સમાજ સુરક્ષા યોજના, માનવ ગરિમા યોજના, લાભાર્થી કીટ સહિત અનેકવિધ યોજનાઓના લાભ આપવામાં આવશે.
રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધા જ ગરીબ પરિવારો સુધી પહોંચે તે માટે જિલ્લાના ૬૮૫૦૦ થી પણ વધુ ગરીબોને રૂ. ૩૮૦.૬૮ કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો આ ગરીબ કલ્યાણ મેળા થકી મળી રહે તે માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્રે કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયના જરૂરિયાતમંદ નાગરિકોને મળવાપાત્ર લાભો તેમને હાથો-હાથ આપવાના આશયથી વર્ષ ૨૦૦૯-૧૦થી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. સતત ૧૩ વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લીધે મોકૂફ રખાયું હતું. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન દરેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જે અંતર્ગત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી કરશે.