દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧.૧૮ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં તસ્કરોએ દિનપ્રતિદિન તરખાત મચાવી રહ્યાં છે. ઝાલોદ નગરમાં ફરીવાર તસ્કરોએ એક ક્લોથની દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી સોના - ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા. ૧,૧૮,૦૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બે દિવસ અગાઉ તસ્કરોએ એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી ત્યાંથી પણ રોકડા રૂપીયા અને સોના - ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
ગત તા. ૨૦મી ડિસેમ્બરના રોજ ઝાલોદ નગરમાં આવેલ શીવમ પેટ્રોલપંપની સામે બ્રિજેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (રહે. ઝાલોદ,તા.જિ.દાહોદ) ની પ્રજાપતિ ક્લોથ નામક દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી દુકાનનું તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને દુકાનમાંથી છડા, બંગડીઓ, મંગળસુત્રો, કંઠીઓ, વીટીઓ, વિછુડી વિગેરે મળી કુલ રૂા. ૧,૮૦,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે બ્રિજેશભાઈ ભરતભાઈ પ્રજાપતિએ ઝાલોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.