દાહોદ શહેર સહિત જિલ્લામાં મહાશિવરાત્રીની ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની




દાહોદ તા.૦૧
દેવાધિદેવ મહાદેવ એવા ભોલેનાથ શિવ શંકરનો મોટામાં મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી. શિવરાત્રિના પાવન અવસરે દાહોદ શહેર સહિત જિલ્લાના શિવાલયો ખાતે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા અને બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. શિવજીની પૂજા – અર્ચના સહિત આરાધના કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. ઘણી જગ્યાએ શિવરાત્રી નિમિત્તે નાનામોટા મેળાઓ પણ ભરાયા હતા.
આજે શિવરાત્રિના પાવન અવસરે દાહોદ શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ મંદિરો ખાતે લાંબી લાઈનો જાેવા મળી હત્ર. લોકોએ ભગવાન શિવના શિવલિંગ ઉપર દૂધ અભિષેક, બીલીપત્ર ચડાવી સહિત પૂજા અર્ચના કરી હતી. શિવરાત્રિના પાવન અવસરે શિવભક્તોએ નકોડા ઉપવાસ પણ કર્યા હતા અને શિવજીની પૂજા અર્ચના કરી શિવજીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. દાહોદ શહેરના તમામ શિવાલયો અને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યા હત્ર. શિવરાત્રીની રાત્રીએ પણ શિવ મંદિરો ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દાહોદ તાલુકાના ગામે આવેલ પૌરાણિક શિવ મંદિર ખાતે મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેવી જ રીતે દાહોદ તાલુકાના કાળી ડેમ ખાતે આવેલ શિવ મંદિર ખાતે પણ લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દાહોદમાં સિંધી સમાજ દ્વારા પણ શિવરાત્રિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ શિવરાત્રી નિમિત્તે પ્રસાદી તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

