દાહોદનો અભ્યાસઅર્થે યુક્રેન ગયેલો વિદ્યાર્થી અક્ષય જયસ્વાલ સલામતરીતે વતન પરત : ખરા સમયે ભારત સરકારે સંકટમોચક બનીને અમને ઉગારયા : અક્ષય જયસ્વાલ
દાહોદ તા.૦૩
યુક્રેનની ભીષણ યુદ્ધની આકરી પરિસ્થિતિમાંથી પણ દાહોદનો અભ્યાસઅર્થે યુક્રેન ગયેલો યુવાન અક્ષય જયસ્વાલ આજે સીંગવડ ખાતેના પોતાના ઘરે સલામત પહોંચી ગયો છે. અક્ષયના હેમખેમ વતનપરત આવી જતા પરીવારજનોએ હર્ષાશ્રુ સાથે તેને વધાવી લીધો હતો. અક્ષય અને તેના પરીવારજનોએ આ ક્ષણે ભારત સરકારને યુદ્ધની કટોકટોભરી સ્થિતિમાંથી ઉગારવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા તેમજ ગુજરાત સરકાર અને દાહોદના વહીવટી તંત્ર દ્વારા પણ સતત સહયોગ અને ટેકો આપવા બદલ આભાર માન્યો હતો.
અક્ષયે જણાવ્યું કે, ‘‘ખરા સમયે ભારત સરકાર અમારા માટે સંકટમોચક બનીને અમને ઉગાર્યા હતા. હું યુક્રેનની ઓડેસા નેશનલ મેડીકલ યુનીવસીર્ટીમાં મેડીકલનો અભ્યાસ કરૂ છું. યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાંથી અમે હંગેરી સુધી આવ્યા હતા અને ત્યાંથી બુડાપેસ્ટ સુધી અમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા લાવવામાં આવ્યા હતા. જયાંથી અમે દિલ્હી માટે રવાના થઇને સુખરૂપ વતન પરત આવ્યા હતા.’’
હાલમાં ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને પરત લાવવા માટે વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગા’ હાથ ધરવામાં આવ્યું છે અને હજારો લોકોને પરત લાવવામાં સફળતા મળી છે. યુદ્ધની ભીષણ સ્થિતિમાં જયા ચોતરફ બોમ્બધડાકા અને ગોળીબાર ચાલી રહ્યાં છે તેવી સ્થિતિમાંથી પણ ભારતીય નાગરિકો સલામત રીતે પરત આવી રહ્યાં છે તે આ મિશનની મોટી સફળતા છે.
અક્ષયના પિતા હર્ષદભાઇએ દાહોદના જિલ્લા વહીવટી તંત્રનો વિશેષ આભાર માન્યો હતો. આવી સ્થિતિમાં તંત્રે સતત તેમને માહિતગાર રાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર, દાહોદના પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરીવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બચાવવા માટે કરાઇ રહેલા પ્રયાસો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી રહ્યાં છે. તેમજ સતત તેમના સંપર્કમાં રહીને અદ્યતન માહિતી પરિવારજનોને આપી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા આ માટે એક રાઉન્ડ ધ ક્લોક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.