ફતેપુરા તાલુકાના કાળીયા તથા ભીતોડીમાંથી પોલીસે 2.74 લાખના અફીણના છોડવાઓની ખેતી ઝડપી
ચાર આરોપીઓની ધરપકડ
ચાર આરોપીઓના ખેતરમાંથી લીલા અફીણના કુલછોડ નંગ-3150 તથા પોષડોડાનું વજન 7 કિલો 530 ગ્રામ જેની કુલ કિંમત-2,74980/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
દાહોદ તા.04
ફતેપુરા તાલુકાના કાળીયા તથા ભીતોડી ગામે પોતાની માલિકીના ખેતરોમાં લીલા અફીણના છોડ હોવા બાબતે પોલીસને બાતમી મળતા દાહોદ જિલ્લા એસ.ઓ.જી, એલ.સી.બી. દાહોદ તથા ઝાલોદ ડી.વાય.એસ.પી સહિત સુખસર પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડી બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરાતા માલિકીના ખેતરોમાં અફીણના લીલા છોડ તથા લીલા સુકા અફીણના પોષ ડોડાઓ મળી આવતા કાળીયા ગામ ના ત્રણ તથા એક ભીતોડી ગામના ખેતર માલિક આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામના તળાવ ફળિયા ખાતે રહેતા રમસુભાઈ રૂપાભાઈ મછાર,દિનેશભાઈ નાથાભાઈ મછાર,રાજુભાઈ સુરતાનભાઈ મછાર તથા ભીતોડી ગામના ડામોર ફળિયામાં રહેતા સરદારભાઈ બીજીયાભાઈ નીનામા નાઓએ પોતાની માલિકી ભોગવટાના ખેતરોમાં લીલા અફીણના છોડ વાવેતર કરેલ હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા મદદનીશ પોલીસ અધિક્ષક ઝાલોદના વિજયસિંહ ગુજ્જર નાઓના નિર્દેશન અને હાજરી હેઠળ બાતમી વાળી જગ્યાએ દાહોદ જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી તથા સુખસર પોલીસની ટીમ કાળીયા તથા ભીતોડી ગામે ઉતારી દીધી હતી.જેમાં કાળીયા તથા ભીતોડી ગામે પોતાની માલિકી ભોગવટાના ખેતરોમાંથી લીલા અફીણના છોડ નંગ-3150 જેનું કુલ વજન 84 કિલો 130 ગ્રામ જેની કિંમત રૂપિયા-2,52,390/- તથા લીલા-સુકા અફીણના પોષડોડાનું વજન 7 કિલો 530 ગામ જેની કિંમત રૂપિયા- 2,2590/- કુલ વજન 91 કિલો 660 ગ્રામ જેની કુલ મળી કિંમત રૂપિયા- 2,74,980/નો મુદ્દામાલ કબજે લઇ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે આરોપીઓએ પોતાના કબજાના ખેતરોમાં વગર પાસ પરમીટેનો વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા સુકા અફીણના છોડનું વાવેતર કરીન ઉછેર કરી રાખી લીલા સૂકા પોષડોડા રાખી પોલીસની રેડ દરમિયાન પકડાઈ ગુન્હો કરવા બાબતે રમસુભાઈ રૂપાભાઈ મછાર, દિનેશભાઈ નાથાભાઈ મછાર, રાજુભાઈ સુરતાનભાઈ મછાર રહે. કાળીયા,તળાવ ફળિયા તથા સરદાર ભાઈ બીજીયાભાઈ નીનામા રહે. ભીતોડી ડામોર ફળિયાનાઓ ની વિરુદ્ધમાં એન.ડી.પી.એસ. એક્ટ- 1985ની કલમ 15 (બી) 18 (એ) મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.