દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના વડવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૩ માર્ચના રોજ વડવા ગામે રહેતાં ભરતભાઈ પ્રેમલાભાઈ બારીયા પોતાની મોટરસાઈકલ પર મધુબેન ચંદુભાઈ પરમારને બેસાડી  વડવા ગામેથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે પાછળ બેઠેલ મધુબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ તાલુકાના વરમખેડા ગામે માળી ફળિયામાં રહેતાં કનુભાઈ ચંદુભાઈ પરમારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ગરબાડા તાલુકાના બાવકા ગામે બનવા પામ્યો હતો જેમાં બાવકા ગામે રહેતાં કનુભાઈ લાલચંદભાઈ પરમાર ગત તા. ૦૨ માર્ચના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ બાવકા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. મોટરસાઈકલની વધુ પડતી ઝડપને કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં કનુભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયા હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન કનુભાઈનું મોત નીપજતાં આ સંબંધે ગરબાડા તાલુકાના બાવકા ગામે વડઘાટી લીમડીની બારી ફરિયામાં રહેતાં રમેશભાઈ લાલચંદભાઈ પરમારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: