ઝાલોદ અને ફતેપુરા ખાતે ગેરરીતિ આચરતા સસ્તા રાશનના દુકાનદારો સામે કડક કાર્યવાહી, ત્રણ માસ માટે પરવાના રદ કરાયા
દાહોદ તા.૧૦
દાહોદનાં ઝાલોદ અને ફતેપુરાની વ્યાજબી ભાવની દુકાનોમાં કાર્ડધારકોને ઓછું અનાજ આપવા તેમજ કુપન નહીં આપવા જેવી બાબતો તંત્રના ધ્યાનમાં આવતા તાત્કાલિક આવા દુકાનદારોના પરવાનો રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સસ્તા રાશનની દુકાનોમાં વ્યાપારીઓ ગેરરીતિ આચરી રહ્યાં હોવાનું વિવિધ માધ્યમો મારફતે તંત્રના ધ્યાનમાં આવતા તપાસ બાદ આ આદેશ કરવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર ફતેપુરાનાં સુખસર ખાતેની ભુનેતર મુકેશભાઇ સંચાલીત સસ્તા રાશનની દુકાનમાં કાર્ડધારકોને ઓછું અનાજ આપવા તેમજ કુપન નહિં આપવાની બાબતની ગત તા. ૨૫ ફેબ્રુઆરીએ મામલતદારશ્રી ફતેપુરાએ તપાસણી કરતા દુકાનનો પરવાનો ૩ માસ માટે મોકુફ રાખવામાં આવ્યો છે. જયારે ઝાલોદમાં ચાકલીયા ખાતે શશીકાન્ત શાહ સંચાલિત દુકાનમાં અનાજ વિતરણ સમયે ગ્રાહકોને પ્રિન્ટેડ કુપન આપવામાં આવતી ન હોવાની બાબતની ઝાલોદના મામલતદારશ્રી દ્વારા તપાસ કરાતા આ દુકાનનો પણ પરવાનો ત્રણ મહિના માટે મોકુફ કરાયો છે.