દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત ત્રણ જણાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. માર્ગ અકસ્માતના પગલે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થતાં સડક ફળિયા હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી માર્ચના રોજ એક ડમ્પર નો ચાલક પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી ઝાલોદ તાલુકાના આંબા ગામે ભુરીકોતેડી ફળિયામાં રહેતાં ૨૦ વર્ષીય રાહુલભાઈ કનુભાઈ બારીયાની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારી ડમ્પરનો ચાલકે પોતાના કબજાનું ડમ્પર પલ્ટી ખવડાવી નાસી જતાં મોટરસાઈકલ પરથી ફંગોળાયેલ રાહુલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના આંબા ગામે ભુરી કોતેડી ફળિયામાં રહેતાં જીગરભાઈ કશુભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી માર્ચના રોજ મહેશભાઈ બચુભાઈ પરમાર (રહે. સીમળીયા બુઝર્ગ, તા. ગરબાડા, જિ.દાહોદ) નો પોતાના કબજાની મોટરસાઈકલ પર જીમાલભાઈ પીદીયાભાઈ પલાસ અને તેમની પત્નિ અમૃતાબેન જીમાલભાઈ પલાસ (બંન્ને રહે. અભલોડ, તા.ગરબાડા, જિ.દાહોદ) નાને મોટરસાઈકલ પર બેસાડી મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નઢેલાવ ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મહેશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પરના સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને રસ્તાની નજીકમાં આવેલ ફેન્સીંગના થાંભલા સાથે મોટરસાઈકલ ધડાકાભેર અથડાતાં ઉપરોક્ત ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં જેને પગલે જીમાલભાઈ અને તેમની પત્નિ અમૃતાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન દંપતિ જીમાલભાઈ અને તેમની પત્નિ અમૃતાબેનનું મોત નીપજતાં આ સંબંધે ગરબાડા તાલુકાના અભલોડ ગામે ચાંદણીયા ફળિયામાં રહેતાં અજયભાઈ સવસીંગભાઈ પલાસે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.