મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનની પાસે શરૂ કરવામાં આવેલા ઘોડિયાઘરનો પ્રારંભ કરતા તેમણે જણાવ્યું કે, આ ઘોડિયાઘરથી પોલીસકર્મયોગીઓ જેઓ માતાપિતા બંને ફરજ નિભાવતા હોય તેમના માટે મોટી રાહત મળશે અને તેમના બાળકોને પણ અહીં સરસ વાતાવરણ મળશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટીયાની પ્રેરણા તેમજ પંચમહાલ ગોધરા રેન્જ ડીઆઇજી શ્રી એમ.એસ.ભરાડાના માર્ગદર્શનમાં પોલીસકર્મીઓના બાળકો માટેના ઘોડિયાઘરની પહેલ કરવામાં આવી છે. અહીંયા બાળકોને ગમે તેવું વાતાવરણ ઉભું કરાયું છે. બહારની બાજુ પણ તેમની રમતગમત માટેની સુવિધાઓ કરવામાં આવી છે. તેમજ આઇસીડીએસ વિભાગ તેમજ એનજીઓનો સહકાર લઇને બાળકોનો વિકાસ થાય, રમતા રમતા શીખવા પણ મળે તે રીતનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો પોલીસકર્મીઓ પોતાના બાળકોની ચિંતા વિના ફરજ નિભાવી શકશે.
આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સિદ્ધાર્થ, શ્રી વિજયસિંગ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી,પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.સી.પાંડોર,પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જે.સી.જાદવ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વર્ષા પાંડવ, સહિત તેમના પરિવારજનો પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.