દાહોદ જિલ્લાના કંબોઈ ગામે વીજ ચેકીંગ માટે ગયેલ વીજ કર્મચારીઓની ટીમ ઉપર ૩૦ ટોળાએ હુમલો કરતાં ખળભળાટ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ, તા.૧પ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે બજરંગ રેસ્ટોરન્ટ ખાતે વીજ ચેકીંગની કામગીરી કરવા ગયેલા વીજ કર્મચારીઓ પર ગામમા રહેતા રપ થી ૩૦ જેટલા ઈસમોએ મારક હથિયારો સાથે ધસી આવી વીજ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરી તેમજ ગાડીઓના કાચ તોડી નાખી ભારે ધિંગાણું મચાવતા પંથકમા ચકચાર મચી જવા પામી હતી.
આજરોજ તારીખ ૧પમી માર્ચના રોજ એમજીવીસીએલમા ફરજ બજાવતા અબ્દુલ મજીદ શેખ અને તેની સાથે અન્ય વીજ કર્મચારીઓ કંબોઈ ગામે વીજ ચેકીંગ માટે ગયા હતા. તે સમયે કંબોઈ ગામે રહેતા દયાનંદ ઉર્ફે મહારાજ અમીરભાઈ ચોૈહાણ (રહે.કંબોઈ બજરંગ રેસ્ટોરન્ટ, તા.લીમખેડા, જી.દાહોદ) તથા તેમની સાથે બીજા રપ થી ૩૦ જેટલા ઈસમોએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો તેમજ લાકડીઓ લઈ બુમો પાડી ફરજ બજાવી રહેલ અબ્દુલભાઈ તથા તેમની સાથેના વીજ કર્મીઓ પાસે આવ્યા હતા. અને બેફામ ગાળો બોલી એકદમ ટોળુ ઉશ્કેરાઈ ગયુ હતુ અને પથ્થરો લઈ દોડી આવી છુટા પથ્થરો મારવા લાગ્યા હતા આ દરમ્યાન સરકારી ગાડીઓના કાચ પણ તુટી ગયા હતા અને ભારે નુકશાન પણ થયું હતુ. ઉપરોક્ત ટોળાએ ભારે ધિંગાણું મચાવી વીજ કર્મચારીઓની કાયદેસરની ફરજમા ઉપરોક્ત ટોળાએ રુકાવટ ઉભી કરતા અને મારી નાખવાની ધમકી અપાતા આ સંબંધે અબ્દુલ શેખ દ્વારા ટોળા વિરૂધ્ધ લીમખેડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.