૧૧ મો ખેલમહાકુંભ દાહોદ : તાલુકા તેમજ સીધી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ દાહોદનો સમાપન સમારોહ યોજાયો : ગ્રામ્ય,તાલુકા, જિલ્લા કક્ષાની વિવિધ રમતોમાં ૧.૧૪ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
દાહોદ તા.૨૬
દેવગઢ બારીયાના શ્રી જયદીપસિંહ રમત ગમત સંકુલ ખાતે તાલુકા તેમજ સીધી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ દાહોદનો સમાપન સમારોહ વિધાનસભા દંડક શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાંસદ શ્રી જસવતસિંહ ભાભોર, પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ સંપન્ન થયો હતો. જિલ્લાના ૧.૧૪ લાખથી વધુ ખેલાડીઓએ ૧૧ માં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે દંડક શ્રી રમેશભાઈએ જણાવ્યું કે, ખેલ મહાકુંભથી ગામે ગામથી પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવી રહ્યા છે. ખેલ મહાકુંભ ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. ખેલ મહાકુંભ થકી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મેડલ લાવતા થયા છે. દાહોદ જિલ્લામાં પણ ગ્રામ્ય સ્તરે પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભ જિલ્લાના ખેલાડીઓની નેસર્ગીક પ્રતિભા બહાર લાવવાનું માધ્યમ બન્યું છે. વિવિધ રમતોમાં જિલ્લાના ખેલાડીઓએ ઉચ્ચ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. વર્ષ ૨૦૧૯ ના ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લો રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે રહ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરીને દીર્ધદ્રષ્ટિપુર્ણ કાર્ય કર્યું હતું. અત્યારે ખેલ મહાકુંભ થકી આપણને ઉત્તમ રમતવીરો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રધાનમંત્રીશ્રીને આભારી છે. આ ખેલમહાકુંભ થકી હજુ પણ નવા ઉત્તમ ખેલાડીઓ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું અને ખેલમહાકુંભમાં ભાગ લેનારા ખેલાડીઓની પ્રસંશા કરી હતી.
કાર્યક્રમમાં કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી,મામલતદાર શ્રી,રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ, શાળાના આચાર્યશ્રીઓ, કોચશ્રીઓ, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.