દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પોલીસે રૂા. ૧.૯૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે જણાની અટકાયત કરી : ફોર વ્હીલર ગાડી કબજે કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૯૩,૯૨૦ના પ્રોહી જથ્થા સાથે બે જણાની અટકાયત કરી ફોર વ્હીલર ગાડી કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૭મી માર્ચના રોજ દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે કશના ફળિયામાં રહેતાં જીતેન્દ્રભાઈ પ્રેમસીંગભાઈ બેરાવત અને દાહોદ તાલુકાના બોરવાણી ગામે ખાયા ગરેરા ફળિયામાં રહેતાં કમલેશભાઈ ધિરજીભાઈ પલાસ બંન્ને જણા પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લઈ રાબડાળ ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન રાબડાળ ગામે નાકાબંધીમાં ઉભેલ પોલીસે ઉપરોક્ત બંન્ને જણાને ફોર વ્હીલર ગાડી સાથે ઉભા રાખી તેઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૫૩૬ કિંમત રૂા. ૧,૯૩,૯૨૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૯૩,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.