સ્માર્ટ વોટર મેનેજમેન્ટ કરતા પ્રોજેક્ટો સ્માર્ટ સીટી દાહોદની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આણશે : સ્વચ્છ દાહોદની સંકલ્પનાને સાકાર કરતા સીવરેજ પ્રોજેક્ટ તેમજ સોલીડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કરશે લોકાર્પણ
કચરાના યોગ્ય નિકાલના ભાગરૂપે નગરના કચરામાંથી ખાતર તેમજ બાયોગેસ બનાવાશે
સ્માર્ટ સીટીના રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવશે
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટના ૧૩૦ કી.મી.ના નેટવર્ક પાથરીને વરસાદી પાણીથી દાહોદના જળાશયોને રીચાર્જ કરાશે
દાહોદ તા.૧૬
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ એક સો શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જ્યાં નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ નગરને પાણીદાર જળવ્યવસ્થાપન આપતા બે પ્રોજેક્ટો તેમજ નગરના કચરાના યોગ્ય નિકાલ માટેના વેસ્ટમાંથી બેસ્ટ મેળવી આપતા બે પ્રોજેક્ટોનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે લોકાર્પણ કરશે.
જેમાં સ્માર્ટ સીટીના રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત ૧૩૦ કી.મી.ના નેટવર્ક પાથરીને વરસાદી પાણીને વહી જતું બચાવીને દાહોદના જળાશયોને રીચાર્જ કરાશે. સીવરેજ (ભૂર્ગભ ગટર યોજના) પ્રોજેક્ટ તેમજ સોલીડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ થકી સ્વચ્છ દાહોદની સંકલ્પના સાકાર થશે. સ્માર્ટ સીટીના મહત્વના પ્રોજેક્ટોની વિગતે વાત કરીએ.
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ :
દાહોદ નગર તેમજ આસપાસના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત ૧૩૦ કીમીના પાઇપની જાળ પાથરવામાં આવી છે. વરસાદી પાણીને આ નેટવર્ક દ્વારા એકઠું કરાશે. તેમજ તેને દાહોદનાં વિવિધ જળાશયો સુધી પહોંચાડી રીચાર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ થકી ગમે તેવા ભારે વરસાદમાં પણ નગરમાંથી વરસાદી પાણીનો સમયસર નિકાલ થઇ જશે. એટલું જ નહી આ પાણી ગટરમાં વેસ્ટ નહીં થાય પરંતુ નેટવર્કની મદદથી દાહોદનાં વિવિધ જળાશયો – છાબ તળાવ, દૂધીમતી નદી, ડેલસર તળાવમાં નાખવામાં આવશે. નગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ, વરસાદી પાણીના ભરાવાને કારણે માખી મચ્છરનો ઉપદ્વવ અટકશે, ખુલ્લી નાળાઓ બંધ થતા રસ્તાઓ વધુ પહોળા થતા ટ્રાફીક હળવો થશે. જળાશયોમાં વરસાદી નીર સંગ્રહ થવાથી સિંચાઇની સુવિધાઓમાં વધારો થશે. સ્માર્ટ સીટીના સ્માર્ટ વોટર મેનેજમેન્ટ આપતો આ પ્રોજેક્ટ રૂ. ૧૨૧.૧૮ કરોડને ખર્ચે પુર્ણ કરવામાં આવ્યો છે.
રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ : –
વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી જમીનના જળસ્ત્રોતોને પુન:જીવીત કરવાના તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચુ લાવવા રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ રૂ. ૬.૮૯ કરોડના ખર્ચે સંપન્ન કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૨૫ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચરથી વરસાદી પાણીને પેહલા ફિલ્ટર કરી તેને ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળ-સ્તર ઊંચું લાવી શકાશે, જમીનની અંદર વહેતા પાણીના સ્ત્રોતને પુન:જીવીત થશે અને પાણીનો સંગ્રહ કરવાથી પર્યાવરણને અનેક રીતે મદદ મળી શકશે. પાણીના તળ ઊંડા જતા રોકી શકાશે. વરસાદી પાણીને ગટરમાં વહી જતાં રોકીને તેને વેડફાઇ જતાં બચાવી શકાશે. વરસાદી પાણીથી થતાં માટીના ધોવાણથી બચાવે છે. ભૂગર્ભ પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને પાણીનો જથ્થો વધશે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પર્યાવરણને અનેક ફાયદાઓ થશે તેમજ પાક અને સિંચાઇમાં પણ મદદરૂપ થશે.
સોલીડ વેસ્ટ કલેક્શન-
દાહોદ નગરનાં ઘન કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટથી સ્માર્ટ સીટીના કચરાનો સ્માર્ટ રીતે નિકાલ કરવામાં આવશે. ઘન કચરાના યોગ્ય નિકાલ માટે નગરપાલિકા વિસ્તારની દરેક જગ્યાએથી તમામ પ્રકારના કચરાને એકત્ર કરી તેને નગરની બહાર ટ્રાન્સફર સ્ટેશન પર લઇ જઇ સેગ્રીગેટ કરી ત્યાર બાદ કોમ્પેક્ટર ટ્રક દ્વારા પુંસરી ખાતે લઇ જઇ અને પ્રોસેસિંગ કરી ઘન કચરો આધુનિક રીતે પ્રોસેસ કરી તેનો નિકાલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૩ ઓટો ટિપ્પર, ૩ કોમ્પેક્ટર ટ્રક અને ૨ રોડ સ્વિપીંગ મશીન દ્વારા સફાઇની કામગીરી કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ઘરમાંથી નીકળતા કચરાનું આધુનિક રીતે મોનીટરીંગ કરવામાં આવશે. કચરાનાં નિવારણ માટે જનજાગૃકતા હેતુ આ પ્રોજેક્ટ અંતર્ગત ઝુંબેશ હાથ ધરાશે. રૂ. ૧૯.૪૬ કરોડના ખર્ચે આ પોજેક્ટને પૂર્ણ કરાયો છે.