દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે પરણીતાએ માસીયા સાસુના ત્રાસથી પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું : પુત્ર સારવાર લેતા
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક પરણિતાએ પોતાની માસીયા સાસુના ત્રાસથી વાજ આવી પોતાના એક બે વર્ષના પુત્ર સાથે ઘરમાં પોતાની ઉપર અને પોતાના પુત્રની ઉપર આગચંપી કરી બંન્ને સળગી જતાં સખ્ત દાઝી ગયેલા માતા – પુત્રની વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં માતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે બે વર્ષીય પુત્ર હાલ પણ ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યો છે.
ગત તા.૨૨મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતી પરણિતા આશાબેને પોતાના બે વર્ષીય પુત્ર સારાંશની સાથે અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનો દોડી આવ્યાં હતાં અને આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. પરિવારજનો દ્વારા ગંભીર દાઝી ગયેલ ઉપરોક્ત માતા – પુત્રને પ્રથમ તબક્કે નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ બંન્નેની સ્થિતી નાજુક હોવાને કારણે માતા – પુત્રને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યાં હતાં જ્યા પરણિતા આશાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે બે વર્ષીય પુત્ર સારાંશ પણ ગંભીર દાઝી ગયો હોવાથી તે હાલ સારવાર લઈ રહ્યો છે. આ મામલે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે પરણિતાના પિતા સાગરભાઈ રૂપાભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાની પુત્રી આશાબેનને તેની માસીયા સાસુ સમીલાબેન સુરતાનભાઈ નીનામા દ્વારા છેલ્લા ઘણા વર્ષાેથી મૃતક આશાબેનને ખેતીના કામકાજ બાબતે અને ઘરના કામકાજ બાબતે બોલાચાલી કરતી હતી અને મેણાટોણા મારતી હતી તેમજ શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતી હતી. આવા શારિરીક અને માનસીક ત્રાસથી વાજ આવી પોતાની પુત્રી આશાબેને પોતાની માસીયા સાસુ સમીલાબેનને ત્રાસથી કંટાળી જઈ મોત વ્હાલુ કરવાનું નક્કી કરી લીધુ હતું અને આશાબેને પોતાના બે વર્ષીય પુત્ર સારાંશની સાથે અગનજ્વાળાઓમાં લપેટાઈ પોતાની પુત્રી આશાએ જીવ ગુમાવ્યો હોવાની ફરિયાદ લીમડી પોલીસ મથકે નોંધાંવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.