દાહોદના બ્લાઇંડ વેલફેર ખાતે શિક્ષક કાર્યદક્ષતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો : મહાનુભાવોને હસ્તે ૩૧૭ વિદ્યાસહાયક શિક્ષકોને પાંચ વર્ષની સેવા પૂર્ણ થતા પૂરા પગાર હુકમનું વિતરણ કરાયું


ગુણવત્તાપૂર્ણ શિક્ષણ તમામ બાળકો સુધી પહોંચે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : વિધાનસભા દંડક શ્રી રમેશભાઇ કટારા

જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડીજીટલ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણને વેગ આપવા સઘન પ્રયાસો થઇ રહ્યાં છે : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદ તા.૨૫

દાહોદનાં બ્લાઇંડ વેલફેર ખાતે શિક્ષક કાર્યદક્ષતા પ્રમાણપત્ર એનાયત સમારોહ વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૩૧૭ વિદ્યાસહાયક શિક્ષકોને પાંચ વર્ષની સેવા પૂર્ણ થતા પૂરા પગાર હુકમનું વિતરણ કરાયું હતું.
વિધાનસભા દંડક શ્રી રમેશભાઇ કટારાએ કાર્યક્રમમાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી અને આ સંદર્ભમાં શિક્ષકોની ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુણવત્તાપૂર્ણ શિક્ષણ તમામ બાળકો સુધી પહોંચે એ માટે કટિબદ્ધ છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અંગે કરાયેલી કામગીરીની વાત કરીએ તો વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી ૧૫૯૮ નવા ઓરડા બાંધવામાં આવ્યા છે. જેમાં રૂ. ૧૦૩૪૮ લાખથી વધુનો ખર્ચ થયો છે. જયારે આ જ સમય દરમિયાન ૧૯૫૩ નવા ટોયલેટ બ્લોક રૂ. ૩૧૯૬ લાખના ખર્ચે બનાવાયા છે તેમજ ૧૦ નવા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂ. ૧૧૬૭ લાખને ખર્ચે તૈયાર કરાયા છે. જિલ્લામાં હાલમાં આવી ૨૦ કસ્તુરબા બાલીકા વિદ્યાલય કાર્યરત છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડીજીટલ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણને વેગ આપવા સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ની શાળાઓનો સમાવેશ કરાયો છે. જેમાં વર્ગખંડોમાં લેપટોપ, પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા અને ઇ-કન્ટેન્ટથી ઇન્ટરેક્ટિવ કલાસ રૂમનો વિદ્યાર્થીઓને લાભ અપાયો છે. આ ઉપરાંત શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, જી શાલા એપ્લીકેશન, વોટસએપ મૂલ્યાકન, એકમ કસોટી તથા સત્રાંત કસોટીનું સઘન મોનિટરિંગ કરાય છે.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સરતનભાઇ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલભાઇ ડામોર, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી પર્વતભાઇ ડામોર, શ્રી જિથરાભાઇ ડામોર, શ્રી નરેન્દ્રભાઇ સોની સહિતના જનપ્રતિનિધિશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખ સહિતના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: