દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતા ગામે પુત્રના મોતના આઘાતમાં પિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.02
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતા ગામે એક પિતાના પુત્રનું કેન્સરથી મોત થતા આઘાતમાં આવી ગયેલા પિતાએ પોતાના ઘરની આગળ આવેલ એક ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
સીંગવડ તાલુકાના પાતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પર્વતભાઈ તેરસીંગભાઈ પાંડોરના પુત્ર અમિતભાઈનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. પોતાના વહાલસોયા દીકરાનું કેન્સરની બીમારીથી મોત નિપજતા આઘાતમાં સરી પડેલા પિતા પર્વતભાઈએ ગત તારીખ 29મી એપ્રિલના રોજ પોતાના ઘરની પાસે આવેલ આંબાની ઝાડની ડાળીએ નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે પાતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પુંજીબેન તેરસીંગભાઈ પાંડોરએ રણધીકપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુના ના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.