દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચમારીયા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતાં એક દંપતિને ફટકાર્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે એક મહિલા સહિત ચાર જણાને અંધશ્રધ્ધાનું ભુત વળગતાં એક મહિલા ઉપર ડાકણ હોવાના ખોટા શક, વહમ રાખી મહિલા તથા તેના પતિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા. ૦૧ મેના રોજ ચમારીયા ગામે રહેતાં વિજયભાઈ ફુલસીંગભાઈ સેલોત, રાજુભાઈ જાલાભાઈ સેલોત, પ્રકાશભાઈ ફુલસીંગભાઈ સેલોત અને કૈલાશબેન રાજુભાઈ સેલોતે પોતાના ગામમાં મંદિર ફળિયામાં રહેતાં દક્ષાબેન ભરતભાઈ સેલોતના ઘરે આવી બેફામ ગાળો બોલી, દક્ષાબેનને કહેવા લાગેલ કે, મારા પિતાને ખાઈ ગયેલ છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને દક્ષાબેનને તથા ભરતભાઈ મોહનભાઈ સેલોતને કુહાડીની મુદર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દક્ષાબેન ભરતભાઈ સેલોતે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.