ઝાલોદના લીમડી નગરમાં વ્યાજખોરના ત્રાસથી એકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લામાં વ્યાજખોરોના આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક વ્યક્તિએ એક ઈસમ પાસેથી એક લાખ રૂપીયા વ્યાજે લીધાં બાદ નીયત મુદત કરતાં પાંચ દિવસ વધી જતાં નાણાંની ભરપાઈ સમયસર ન કરી શકતાં વ્યાજે પૈસા આપનાર ઈસમ દ્વારા વ્યક્તિની દુકાને જઈ ઝઘડો તકરાર કરી પરિવારને મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

લીમડી નગરમાં ગારીવાસ વિસ્તારમાં રહેતો રાજકુમાર ઉર્ફે રાજુભાઈ રમણભાઈ ગોહિલે પોતાના વિસ્તારમાં રહેતાં વિકાસ પ્રકાશચંદ્ર જૈનને બે મહિના પહેલા રૂપીયા એક લાખ ૬૦ દિવસના વાયદે રૂા. ૩૫,૦૦૦ વ્યાજ સહિત ભરપાઈ કરવાની શરતે આપ્યાં હતાં. આ રૂપીયા સમયમર્યાદાના પાંચ દિવસ વધી જતાં પેનલ્ટીના રૂા.૧૮,૦૦૦ માંગણી કરી લીમડીમાં નહીં રહેવા દેવા તથા પત્નિ તથા છોકરા સાથે મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં રૂા. ૧૩,૦૦૦ રાજભાઈને વિકાસે આપ્યાં હતાં અને બીજા રૂા. ૫,૦૦૦ આપવાના બાકી હતાં જેની અવાર નવાર ઉઘરાણી કરી વિકાસની દુકામાં ગેરકાયદે પ્રવેશ કરી વિકાસનો મોબાઈલ ફોન માંગતાં વિકાસે આપવાની ના પાડતાં રાજભાઈએ મોબાઈલ લઈ નાસી જઈ મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે વિકાસ પ્રકાશચંદ્ર જૈન દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!