દાહોદ જીલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી : અખાદ્ય મીઠાઇ વેચનારા દાહોદની યાદગાર હોટલના માલિકને એક મહિનાની કેદ, રૂ. ૭૫ હજારનો દંડ
દાહોદ તા.૭
દાહોદ જીલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. દાહોદની યાદગાર હોટલમાંથી મીઠાઇનો નમુનો અસલામત સાબિત થતા હોટલના માલિક ઇકબાલભાઇ શેખને એક મહિનાની કેદ અને રૂ. ૭૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદનાં ફૂડ સેફટી ઓફિસરશ્રી દ્વારા દાહોદની યાદગાર હોટલમાંથી વિક્રેતા અબ્દુલ કુંદાણા પાસેથી લાલ ગુલાબની મીઠાઇનો નમુનો લઇ ભુજ ખાતેની લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલાયો હતો. જે નમુનો અનસેફ ફુડ જાહેર થયું હતું.
ત્યાર બાદ ફુડ સેફટી ઓફિસર દ્વારા દાહોદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો ગત તા. ૫ મેના રોજ દાહોદનાં એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી ત્રિવેદી દ્વારા અપાયો હતો અને યાદગાર હોટલના માલિક ઇકબાલભાઇ શેખને એક મહિનાની કેદ અને રૂ. ૭૫ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ દોઢ મહિનાની કેદનો હુકમ કરાયો છે.
૦૦૦