એક હિન્દુસ્તાન જેમાં કોઈ કાયદો નહીં, બીજું હિન્દુસ્તાન ગરીબોનો : દાહોદથી રાહુલ ગાંધીનો હુંકાર :

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦

દાહોદથી રાહુલ ગાંધીનો હુંકાર:કહ્યું, “કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે એ ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે

અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું
એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં, બીજું હિન્દુસ્તાન ગરીબોનો, જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો, સત્યાગ્રહ એપને પણ ખુલ્લી મૂકી
આદિવાસી સમાજ તમને વચન આપે છે કે 27 ટ્રાઇબલ સીટ કોંગ્રેસ જીતશે : જગદીશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.

રાહુલ ગાંધીએ સત્યાગ્રહ એપને ખુલ્લી મૂકી
રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત સત્યાગ્રહ પત્રનું વાંચન જગદીશ ઠાકોરે કર્યું હતું. સભામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલન કરવાનો નિર્ધાર કરાયો હતો. આ સિવાય સત્યાગ્રહ માટેની કિટને રાહુલ ગાંધીએ ખુલ્લી મૂકી હતી. આ સિવાય સત્યાગ્રહ એપને રાહુલ ગાંધીએ ખુલ્લી મૂકી હતી તેમજ સત્યાગ્રહની વેબસાઈટ www.adiwasisatyagrah.inનો પણ રાહુલ ગાંધીના હસ્તે આરંભ કરાયો હતો.

પીએમ મોદીએ ભારતના બે ભાગ કર્યા – રાહુલ ગાંધી
સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યા છે. એક, અમીરોનું, જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું, ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી એને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતા. અમને એવું ભારત જોઇએ, જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.

નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી – રાહુલ ગાંધી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ, જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું, મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં. બીજું, હિન્દુસ્તાન ગરીબોનું, જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું.

આ પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે એ ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ, ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસીઓને શિક્ષણ, રોજગાર, આરોગ્ય કશુંયે ન મળ્યું. અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો મજબૂત કરો કે પીએમને સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય, જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જિજ્ઞશ મેવાણીને ઓળખું છું, તેને તમે 10 વર્ષની પણ જેલ કરશો તોપણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડલ ફરીથી ગુજરાતમાં લાવવા માગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે. આજે બે-ત્રણ લોકો જનતાને ચલાવે છે, લોકો ચૂપ બેસી રહે છે. તમને સત્યની ખબર છે, તમારે એ સત્ય માટે લડવું પડશે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, જ્યાં આદિવાસીઓનો અવાજ હશે, આદિવાસી MLA હશે અને આદિવાસી જે ઇચ્છશે એ સરકાર કરશે.

વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ – રાહુલ ગાંધી
કોરોના પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમ કહે છે થાળી વગાડો, 3 લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે, એ પણ નરેન્દ્ર મોદીનો. હાલની સરકારે સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ છે.

કોંગ્રેસ વિધાનસભાની 125 બેઠક જીતશે – રઘુ શર્મા
સભાને સંબોધતાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે આ રેલી નથી, સત્યાગ્રહની શરૂઆત છે, કોંગ્રેસ 125 વિધાનસભાની બેઠક જીતશે. આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજાને હેરાન કરવાના કાવતરાં ભાજપ દ્વારા થઇ રહ્યાં છે. કોંગ્રેસના આગેવાનો એ આદિવાસી હોય કે નોન આદિવાસી હોય, તેમણે બધાએ ગુજરાતના આદિવાસીઓની લડતને પોતાની લડત બનાવવાનું નક્કી કર્યું છે. જ્યારે અમે રાહુલ ગાંધી સાથે આ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે કહો ગુજરાત કે નૌજવાન આદિવાસીઓસે, મેં ગુજરાત આઉંગા ઇનકી લડત કો સમર્થન કરુંગા અને એના ભાગરૂપે તેઓ અહીં આવ્યા છે.

ચાલીસે ચાલીસ સીટ કોંગ્રેસને આપીશું : જગદીશ ઠાકોર
તેમણે રાહુલ ગાંધીને સંબોધીને જણાવ્યું હતું કે આ આદિવાસી સમાજ તમને વચન આપે છે કે 27 ટ્રાઇબલ સીટ તો અમે આપીશું જ, પરંતુ એની સાથે જ 13 આદિવાસી પ્રભાવિત વિધાનસભા સીટ એમ ચાલીસે ચાલીસ સીટ કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર બનાવીશું.

કોંગ્રેસ આ મુદ્દાઓ આગળ ધરશે
રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે, જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ એક્ટ 2019 રદ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા 1996માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના PESA કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા તેમજ એમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ લડત આપશે.

2 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક કરશે
દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. તેઓ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. આ રેલી થકી રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયમાં વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો જાહેર કરશે.

આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!