દાહોદના ઈન્દૌર હાઈવે રોડ પર કાર અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.11
દાહોદ ખાતે ઇન્દોર અમદાવાદ હાઈવે રોડ ઉપર કાર અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે ફરી એકવાર આ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. દાહોદ ખાતે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ઇન્દોરથી દાહોદ આવતી કાર અને પીકઅપ ગાડી ધડાકાભેર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર વડોદરાના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે પિકઅપ ગાડીમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મોત ને ભેટનાર વ્યક્તિની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રેની બનેલ આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.