જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રીમોન્સુન પ્લાનીગ અંગેની બેઠક યોજાઈ

દાહોદ તા.૧૯
જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રીમોન્સુન પ્લાનીગ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી ચોમાસામાં સંભવિત પૂર-વાવાઝોડા – ભારે વરસાદની સ્થિતિનો સામનો કરવા માટે આગોતરૂં આયોજન સહિતની કામગીરી વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આગામી ચોમાસામાં કોઇ પણ પ્રકારની વિપરીત સ્થિતિનો સામનો કરવા તંત્ર સાબદું રહે તેમજ બચાવ અને રાહત કામગીરી માટેનો એક્શન પ્લાન તૈયાર કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગોને આ અંગેની જરૂરી કામગીરીની જવાબદારી સોંપાઇ હતી. પ્રીમોન્સુન પ્લાનીંગ અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ તાલુકા કક્ષાએ પણ ૨૪ કલાક કાર્યરત રહે તેવો કંટ્રોલ રૂમ શરૂ કરાશે. પોલીસની ટીમને ખાસ બચાવ અને રાહત કામગીરી માટે તાલીમબદ્ધ કરાશે. તેમજ એનડીઆરએફની ટીમ પણ જિલ્લામાં બચાવ કામગીરી માટે સતત તૈયાર રહેશે.
બેઠકમાં પુર – વાવાઝોડા વગેરે જેવી સ્થિતિમાં લોકોને અગાઉથી જાણ થઇ જાય તેમજ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તુરત જ સહાય મળી રહે તે માટે આયોજન કરાયું હતું. રોડ – રસ્તા મરામત તેમજ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવા, વીજપુરવઠો, તળગામોને પુરની અગાઉથી જાણ કરવી, વરસાદની સ્થિતિમાં ભયજનક બનતા બ્રીજ જેવી બાબતો અંગે વિગતે ચર્ચા કરી, કલેક્ટરએ સૌ અધિકારીશ્રીઓએ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાત, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગેલાત, ડીવાયએસપી પરેશ સોલંકી સહિતના અધિકારી ઓ તેમજ એનડીઆરએફ ટીમના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: