દસ ગામદીઠ પશુદવાખાનાની રાજ્ય સરકારની પશુપાલકો માટે આર્શીવાદરૂપ યોજના
દાહોદ તા.૧૯
રાજ્ય સરકાર દ્વારા દસ ગામ દીઠ એક ફરતા પશુદવાખાનાની યોજના ચાલે છે. જેમાં દાહોદ જિલ્લાના ધાનપુરના નાકટી ગામમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ – ફરતું પશુદવાખાનું મુકવામાં આવ્યું છે. જયાંથી આસપાસના દસેક ગામોને આ પશુ દવાખાનાનો લાભ મળે છે. ગત તા. ૧૭ મેના રોજ મોઢવા ગામના પશુપાલક શ્રી લક્ષ્મણભાઇ પટેલે પોતાના બે મહિનાના પાડાને પેશાબમાં તકલીફ હોવા બાબતની જાણ પશુદવાખાનાને કરતા તુરત પશુદવાખાનાની ટીમ અહીં પહોંચી હતી. પશુચિકિત્સક ડો. વિષ્ણુ રાય દ્વારા પાડાની તપાસ કરતા પેશાબ નળીમાં મોટી ગાઠ હોવાનું નિદાન થયું હતું. પાડાની જાન બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. ઓપરેશન ઘણું મુશ્કેલ હતું. પશુદવાખાનાના પશુચિકિત્સક દ્વારા અને સાથેના ચિકિત્સક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાડાનું ઓપરેશન કરાયું હતું. તાત્કાલિક ઓપરેશન દ્વારા ગંભીર સ્થિતિમાંથી બહાર આવી જતા પાડાનો જીવ બચાવી શકાયો હતો. લક્ષ્મણભાઇએ પશુચિકિત્સક ટીમને તાત્કાલિક સફળતાપૂર્વકની સારવાર માટે ખૂબ ધન્યવાદ પાઠવ્યાં હતાં.