દાહોદ જિલ્લામાં આગામી તા. ૩૦ મે અને તમામ તાલુકાઓમાં તા. ૧ થી ૬ જુન દરમિયાન કાર્યક્રમો યોજાશે : રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે
જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ માર્ગદર્શન કાર્યક્રમનો લાભ લે તે માટે બેઠક યોજાઈ.
દાહોદ તા.૨૦
ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્વનાં વળાંક લઇને આવે છે. અત્યારના આધુનિક સમયમાં કારકિર્દીના ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે અને ઘણાં નવા ક્ષેત્રો પણ ઉભરી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર યોગ્ય દિશામાં કરી શકે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે તમામ મહાનગરો, જિલ્લાઓ અને તાલુકાઓમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પહેલ શિક્ષણમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં કરવામાં આવી છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ આગામી તા. ૩૦ મે ના રોજ જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. તેમજ ત્યાર બાદ તા. ૧ જુન થી ૬ જુન દરમિયાન તમામ તાલુકાઓમાં પણ માર્ગદર્શન કાર્યક્રમ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજાશે. જેમાં જિલ્લાના તેમજ રાજ્યના નિષ્ણાંતો વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન આપશે. જિલ્લામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ કાર્યક્રમનો લાભ લે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે એક બેઠક પણ યોજાઇ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવે, જિલ્લા રોજગાર કચેરી, આઇટીઆઇ વગેરે કચેરીના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે ચર્ચા કરી હતી.

