ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો દ્વારા સમાન કામ સમાન વેતન અંતર્ગત દંડક રમેશભાઈ કટારાને આવેદન આપ્યું : કોમ્પ્યુટર સાહસિકોની માંગણી બાબતે દંડકે મુખ્યમંત્રીને ભલામણ પત્ર લખ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૨
કોમ્પ્યુટર સાહસિકો ગ્રામ પંચાયત માં ઇ ગ્રામ યોજના હેઠળ કામગીરી કરે છે. જેઓ દ્વારા સમાન કામ સમાન વેતન ની માંગણી માટે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને રવિવારના રોજ આવેદનપત્ર આપ્યું હતું જે બાબતે દંડક દ્વારા મુખ્યમંત્રી ને ભલામણ પત્ર લખ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ૧૩૦૦૦ જેટલા કોમ્પ્યુટર સાહસિકો ગ્રામ પંચાયતોમાં ઇ ગ્રામ યોજના હેઠળ કામગીરી કરે છે. જેઓએ પોતાની માંગણીઓ બાબતે રવિવારના રોજ દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન પ્રથા લાગુ કરવામાં આવે, ૧૬ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ ને સરકારી લાભો આપવામાં આવે, કોરોના મહામારીમાં મરણ પામેલા કર્મચારીઓ ને આર્થિક સહાય આપવામાં આવે જે બાબતની માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆત કરાઇ હતી. જે આવેદન અનુસંધાને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રાજ્યના કોમ્પ્યુટર સાહસિકોની માંગણીને ધ્યાને લઇ વહેલી તકે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ભલામણ પત્ર લખ્યો હતો.