ખેલ મહાકુંભ – ૨૦૨૨ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદના માત્ર ૧૧ વર્ષના ખેલાડીએ ઝળહળતી સફળતા મેળવી : ધાનપુરના સંજય પટેલે સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને ૫૦ મીટર દોડ માં રાજ્યમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેળવ્યા
દાહોદ તા.૨૪
ખેલ મહાકુંભ-૨૦૨૨ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદના માત્ર ૧૧ વર્ષના ખેલાડીએ ઝળહળતી સફળતા મેળવી છે. એ પણ એક નહીં બે-બે ગોલ્ડ મેળવી અપાવીને. નડીયાદના રમત ગમત સંકુલ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદનાં સંજય ભુરાભાઇ પટેલે બે મેડલો પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સંજયએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને ૫૦ મીટર દોડ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ દરેક રમતમાં સંજયે જિલ્લા તેમજ મહાનગરોમાંથી આવેલા ૮૪ જેટલા સ્પર્ધકોનો સામનો કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અદભૂત સફળતા મેળવી હતી.
ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાઇ હતી. જેમાં અંડર ૧૧ સ્પર્ધામાં દાહોદનાં સંજય પટેલે ભાગ લીધો હતો અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં ૨.૪૯ મીટરનો કુદકો લગાવીને અન્ય સ્પર્ધકોને કયાંય પાછળ રાખી દીધા હતા. જયારે ૫૦ મીટરની દોડ ફક્ત ૭.૪૪ સેકન્ડમાં પૂરી કરી છે.
પાંચમા ધોરણમાં ભણતો સંજય પટેલ માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અહીંના આચાર્ય શ્રી ભારતસિંહ રાઠવા બાળપણથી જ તેના કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી. સંજયનું ઘર શાળા પાસે જ હતું અને તેને ૪ વર્ષની ઉંમરથી રમત ગમતમાં રસ લેતો જોઇને આચાર્ય શ્રી રાઠવાએ આ ઉંમરથી જ તેને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. શ્રી રાઠવા વેકેસન તેમજ રજાના દિવસે પણ સંજયને પ્રેકટીશ કરાવતા હતા. જેને પરિણામે આજે રાજ્યકક્ષાએ સંજયે જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ખેલમહાકુંભ અંતર્ગત દાહોદ જિલ્લામાં મોટા સંખ્યામાં ખેલાડીઓને રમત ગમત માટે શાળા કક્ષાએ થી જ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સંજય પટેલની આ સફળતા અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.